Mysamachar.in-જામનગર:
આયુષ્માન કાર્ડ સાથે સંબંધિત ખાનગી હોસ્પિટલોમાં થતી દર્દીઓની સારવાર અને તેના બદલામાં સરકાર દ્વારા એટલે કે કરદાતા નાગરિકોની તિજોરીમાંથી આ ખાનગી હોસ્પિટલોને થતાં કરોડો રૂપિયાના ચૂકવણાં કયારેય શંકાઓથી પર રહ્યા નથી. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના કૌભાંડ જાહેર પણ થઈ ગયા છે. સમગ્ર રાજ્યની માફક જામનગરમાં પણ આ વિષયમાં કેટલાક તબીબોએ ‘નીચતા’ આચરી હોવાના 2 કૌભાંડ તો બહાર પણ આવી ગયા, આ મામલે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તબીબો, હોસ્પિટલો અને કૌભાંડો સંબંધે બેફામ લખાઈ રહ્યું છે. લોકોની કેટલીક કોમેન્ટ્સ તો અહીં લખી પણ ન શકાય એટલી જલદ હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટનું આવું કૌભાંડ જાહેર થઈ ગયા બાદ થોડા જ દિવસોમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ પણ કૌભાંડી જાહેર થઈ ગઈ. સૌ પ્રથમ એક માત્ર Mysamachar.in માટે આ આખા કૌભાંડની સિલસિલાબંધ વિગતો બહાર લાવવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે. આ live એપિસોડમાં અસંખ્ય લોકોએ અતિ આકરી પ્રતિક્રિયાઓ આપી છે. Mysamachar.in ના આ ફેસબુક પેજ પર લોકોએ કોમેન્ટ સેકશનમાં આ હોસ્પિટલ અને તબીબો તેમજ તબીબી વ્યવસાય સંબંધે ભારે આક્રોશ વ્યકત કર્યો છે.
એક દર્શક લખે છે: સારૂં થયું તમે આ સમાચાર લાવ્યા, આ લોકોની લૂંટ ઉઘાડી પડી ગઈ. એક કોમેન્ટમાં છે કે, આ ઓશવાળ આયુષ હોસ્પિટલની દવાબારી પર મળતી દવાઓ અતિશય મોંઘી હોય છે. એક દર્શક એવો આક્રોશ વ્યકત કરે છે કે, આવા લૂંટારાઓને આજિવન જેલમાં ધકેલી દેવા જોઈએ.
ઘણાં લોકો તબીબોને દેવદૂત અને હોસ્પિટલને જિંદગીનો આશરો માનતા હોય છે પરંતુ અન્ય વ્યવસાય માફક આ ક્ષેત્રમાં કેટલાંક લેભાગુ તત્ત્વો હોવાથી આ સેવાનું ક્ષેત્ર પણ કલંકિત જોવા મળી રહ્યું છે. લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કે, મોરબીનું આ જૂથ જામનગરમાં બિઝનેસ કરવા જ આવ્યું છે…100 ટકા ગેરરીતિઓ ચાલી રહી છે…ગાયનેક વિભાગમાં પણ ઘણું બહાર આવે એમ છે…ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ગોરખધંધા ચાલુ જ હતાં, હોસ્પિટલ સત્તાવાળાઓ બચાવમાં ખોટું બોલી રહ્યા છે…આ લોકો પ્યોર બિઝનેસ કરે છે, મારી બેનનો પગ દુ:ખતો હતો અને ઓશવાળ આયુષ હોસ્પિટલે હ્રદયનું ઓપરેશન કરી નાંખ્યુ…ઓશવાળમાં બિનજરૂરી રીતે પુષ્કળ રિપોર્ટ કરાવવામાં આવે છે…સરકાર અને તબીબો વચ્ચે દર્દીઓ પીડા ભોગવી રહ્યા છે, કસૂરવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી થતી…લૂંટારા ઉઘાડા પડી ગયા…સેવા શબ્દ તો બોલો જ નહીં, નકરો વેપાર..વેપાર અને વેપાર જ ધમધમી રહ્યો છે…પોલીસ પણ માત્ર જાણવા જોગ નોંધ કરે છે….
આમ લોકોની કોમેન્ટ્સ પરથી જોઈ શકાય છે કે, લોકોને મીડિયાકર્મીઓ સિવાય કોઈ પર ભરોસો નથી. લોકો સૌને ઓળખે છે. લોકોમાં ભયંકર ગુસ્સો છે. કસૂરવાર વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ થતી ન હોય લોકો સરકારને પણ શંકાઓની નજરે જોઈ રહ્યા છે. હવે તબીબી ક્ષેત્રની પ્રતિષ્ઠા અગાઉ જેવી રહી નથી. આયુષ્માન કાર્ડ યોજનાના કૌભાંડ અવારનવાર જાહેર થઈ રહ્યા હોય, લોકોમાં ભારે હતાશા છે.જો કે આ દર્શકોની પ્રતિક્રિયાઓ છે.. તે તટસ્થ તપાસ માંગી લેતી છે અને સમગ્ર મામલાનું સત્ય તપાસ બાદ જ સામે આવશે.


