Mysamachar.in-અમદાવાદ:
‘નકલી’ શબ્દ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એટલી હદે ચલણી બની ગયો છે કે, કોઈ પણ સેવાઓ કે સુવિધાઓ પ્રાપ્ત કરવા ઈચ્છતા લોકો, અસલીની તલાશમાં ‘નકલી’ની જાળમાં સપડાઈ રહ્યા છે. અને, આવા ઘણાં બધાં ખેલ સંપન્ન થઈ જાય પછી, નકલી પકડાઈ જાય. કોઈ નકલી પ્રથમ જ સાહસમાં ઝડપાતો નથી. આથી આ આખા નેટવર્કિંગને લોકો અલગ દ્રષ્ટિએ નિહાળી રહ્યા છે.
એક ગુનેગારે નવું સાહસ કર્યું. તેણે પોતે ‘સરકારી વકીલ’ છે તેમ જાહેર કરી, કેટલાંક કામો નિપટાવી લીધાંનું કહેવાય છે. જો કે આ વિગતો તો તપાસ પછી જ બહાર આવી શકે. હાલ એટલું જાહેર થયું છે કે, સરકારી વકીલ તરીકે ‘કામ’ પાર પાડતો એક શખ્સ ઝડપાઈ ગયો છે. જે અગાઉ અન્ય ગુનાસર જેલમાં હતો. જેલમાંથી ‘ઉડી’ જઈ તેણે આ નવો ખેલ કર્યો. આ શખ્સ એટલો શાતિર છે કે, શિકાર મોં માં આવવાની રાહ નથી જોતો, શિકાર પર જાતે તરાપ મારે છે.
એપ્રિલ મહિનાના પ્રારંભે એક મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. આ મહિલાનો પતિ પોકસો કેસનો આરોપી છે અને 18 મહિનાથી જેલમાં છે. ફોન કરનારે મહિલાને કહ્યું: હું સરકારી વકીલ બોલું છું. તમારાં પતિની જામીન અરજીના કામમાં, જે હાલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલે છે તેમાં મારી પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિયુક્તિ થઈ છે. તમારાં પતિની જામીન અરજી અદાલતમાં આવશે ત્યારે હું કોઈ વિરોધી દલીલો નહીં કરૂં. એ માટે તમારે મને રૂબરૂ મળવું પડશે અને રૂ. 20,000 આપવા પડશે. આ મહિલાએ આમ કર્યું પણ ખરૂં. એમ પોલીસ કહે છે.
આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે આ મહિલાએ પોતાના રેગ્યુલર વકીલને એમ કહ્યું કે, મારી સાથે ઉપરોકત પ્રકારની છેતરપિંડી થઈ છે. ત્યારબાદ, ગત્ ગુરૂવારે આ મહિલાએ ઉપરોકત વિગતો સાથેની પોલીસ ફરિયાદ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.
પછી, પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં પોલીસને ખબર પડી કે, આ છેતરપિંડી કરનાર શખ્સનું નામ મયંક સંઘાણી છે. આ શખ્સ 2016થી જેલમાં છે. તેની વિરુદ્ધ મર્ડરનો કેસ છે. દરમિયાન, ગત્ વર્ષે આ શખ્સ પેરોલ પર જેલ બહાર આવ્યા બાદ ગૂમ થઈ ગયો. અત્યારે તે 27 વર્ષનો છે. તેણે આ અગાઉ આ રીતે ઓછામાં ઓછી એક છેતરપિંડી કરી છે. નવ વર્ષના જેલવાસ દરમિયાન તે જેલમાં આ બધી કાનૂની તરકીબો અન્ય કેદીઓના કામોની કાર્યવાહીઓનો અભ્યાસ કરીને શીખી ગયેલો. આ ‘અનુભવ’નો ઉપયોગ તેણે ચીટિંગમાં કરી લીધો. હાલ આ શખ્સ અમદાવાદ પોલીસના કબજામાં છે.
અમદાવાદ પોલીસે જામનગરના આ શખ્સ વિષે એવી પણ વિગતો શેર કરી છે કે, અગાઉ 16 વર્ષના એક છોકરાના અપહરણ અને છોકરાના પિતા પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માંગવાના આરોપસર તેની ધરપકડ થયેલી. પોલીસ કહે છે, જૂન-2024માં તે પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારથી ભાગતો ફરે છે. આ શખ્સ કોમર્સ વિદ્યાશાખાનો સ્નાતક છે. આ શખ્સ ગુજરાત હાઇકોર્ટમાં જે જામીન અરજીઓ ચાલવા પર આવતી તેનો અદાલતની વેબસાઈટ પર અભ્યાસ કરતો અને બાદમાં આ પ્રકારના આરોપીઓનો સંપર્ક કરતો.