Mysamachar.in-જામનગર:
જામનગરના સૌ કરદાતા નગરજનોનો વર્ષોનો અનુભવ એવો રહ્યો છે કે, દર વર્ષે જ્યારે જ્યારે વાર્ષિક બજેટ(આવક ખર્ચના અંદાજિત આંકડાઓ) પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં અને પછી જનરલ બોર્ડની બજેટ બેઠકમાં આ બજેટ રજૂ થાય છે ત્યારે ત્યારે, સૌથી વધુ ચર્ચાઓ બજેટના મોટા આંકડાઓની થતી હોય છે. પરંતુ વર્ષ આખરે મહાનગરપાલિકા આ અંદાજિત આંકડાઓ સુધી પહોંચવામાં હાંફી જાય છે અને આખરે આ આંકડાઓ નાના કરી નાંખે છે ! મતલબ, વર્ષની શરૂઆતમાં અંદાજો બાંધવામાં દેખાડવામાં આવેલો ઉત્સાહ ઠંડો પડી જાય છે.
ગત્ વર્ષે જામનગર મહાનગરપાલિકાએ એમ જાહેર કરેલું કે, આપણે વર્ષ દરમ્યાન કુલ રૂ. 1,434.82 કરોડની આવક મેળવીશું. આ આંકડાઓમાં આગલા વર્ષની ગ્રાન્ટ ટ્રાન્સફર પણ હોય છે. ત્યારબાદ, તાજેતરમાં આ વર્ષ 2025-26 ના રિવાઈઝડ બજેટને રજૂ કર્યું. ત્યારે, મહાનગરપાલિકાએ એમ જાહેર કર્યું કે, આપણે 31-03-2026 સુધીમાં આશરે 1,208.90 કરોડની આવક પ્રાપ્ત કરીશું. જો કે આ પણ જો અને તો હોય છે. રિવાઈઝડ બજેટમાં અંદાજિત આવકનો આંકડો સીધો જ રૂ. 276 કરોડ જેટલો ઘટી ગયો ! કરોડો રૂપીયાના ખોટાં અંદાજ ! દરમ્યાન, તાજેતરમાં વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. ફરી એક વખત મોટાં અંદાજિત આંકડાઓના ગુણગાન ગવાયા !
ગત્ વર્ષે મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું ત્યારે, જાહેર કરેલું કે આપણે વર્ષ દરમ્યાન રૂ. 1,619.91 કરોડનો ખર્ચ કરીશું. હાલમાં આ આંકડો રિવાઈઝડ કરી એમ જાહેર કર્યું કે, આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં આપણે કદાચ 1,351 કરોડનો કુલ ખર્ચ કરીશું. મતલબ, આ અંદાજમાં પણ રૂ. 269 કરોડ જેટલું ગાબડું ! રૂ. 1,619 કરોડમાં રૂ. 269 કરોડનું ગાબડું મતલબ ગાબડાંનું કદ આશરે 17 ટકા જેટલું.
મહાનગરપાલિકાએ ગત્ વર્ષે એમ જાહેર કરેલું કે, આપણે વર્ષ દરમ્યાન મહેસૂલી આવક તરીકે રૂ. 528 કરોડ મેળવીશું. પરંતુ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં માત્ર રૂ. 276 કરોડ જેટલી આવક મળી. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આ ગાબડું પુરાવાની શકયતાઓ દેખાતી નથી.
મહાનગરપાલિકાએ ગત્ વર્ષે એમ જાહેર કરેલું કે, વર્ષ 2025-26 દરમ્યાન આપણે કુલ રૂ. 1,619.91 કરોડનો ખર્ચ કરીશું. પરંતુ ડિસેમ્બર, 2025 સુધીમાં રૂ. 690 કરોડનો ખર્ચ થયો. રિવાઈઝડ બજેટમાં મહાનગરપાલિકા કહે છે માર્ચ સુધીમાં કુલ રૂ. 1,351 કરોડનો ખર્ચ થઈ શકશે. આમ આ આંકડાઓ પણ હવાઈ છે.
જામનગરમાં એક માત્ર અને સૌથી મોટી શાક માર્કેટ સુભાષ માર્કેટ વર્ષોથી ખંઢેર છે, સાત લાખની વસતિ સામે એક પણ મહાનગરપાલિકા સંચાલિત શાક માર્કેટ નહીં. હજુ આ વખતના બજેટમાં પણ મહાનગરપાલિકાએ જાહેરાત જ કરી કે, શાક માર્કેટનું રિ–ડેવલપમેન્ટ કરવામાં આવશે. પરંતુ મહાનગરપાલિકાએ એ માટેના ખર્ચનો આંકડો જાહેર કર્યો નથી. મતલબ, મહાનગરપાલિકાએ આગામી નાણાંકીય વર્ષ માટે આ શાક માર્કેટનો પ્રોજેક્ટ હજુ બનાવ્યો નથી.


























































