Mysamachar.in:ગીર સોમનાથ
દિલ્હીથી માંડીને છેક જામનગર સુધી હજારો ‘કિરણ પટેલ’ પોતાની આવડત અને છટા મુજબ સરકારમાં એટલે કે સરકારી વિભાગોમાં કળા કરતાં હોય છે. જે પૈકી કેટલાંક પકડાઈ જાય છે, કેટલાંક ‘કામ’ ઉતારતાં રહે છે. આવા કલાકારો શાસકપક્ષનાં સ્થાનિક નેતાઓ અને સેલિબ્રિટીઝ સાથે પણ ઘરોબો ધરાવતા હોય છે. આવો વધુ એક ‘કિરણ પટેલ’ ગીર સોમનાથ જિલ્લામાંથી ઝડપાઈ ગયો છે. જેનું ખરૂં નામ જગદીશ નંદાણિયા છે અને આ શખ્સ તાલાળા પંથકનો છે.
આ શખ્સ પોતાની ઓળખ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના PA તરીકે આપતો હતો અને રાજ્યભરમાં જુદી જુદી જગ્યાઓ પર રોફ જમાવતો હતો એવું જાહેર થયું છે. આ શખ્સ પોતાની ઓળખ દતાજી તરીકે આપતો હતો. આ શખ્સે ઘણાં લોકો પર ભૂરકી છાંટી હોવાનું ખૂલ્યું છે. આ શખ્સની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ શખ્સે જામનગરમાં પણ ખેલ પાડયો હતો ! આ શખ્સે જામનગરમાં એસટી વિભાગીય નિયામકને ફોન કર્યો હતો. અને એક એસટી ડ્રાઈવરની ફેવર કરવા ભલામણ પણ કરી હતી. ઝડપાયેલ શખ્સે પોતાના true caller માં હર્ષ સંઘવી પીએ. નામથી સેવ કર્યું હતું. જો કે આ પ્રકારના સંખ્યાબંધ પ્રકરણોની હાલ તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, છેક વડાપ્રધાન કાર્યાલય સુધીનાં પાવર સેન્ટરનાં નામે આવા કુંડાળા ચાલતાં રહેતાં હોય છે ! અને આ પ્રકારના ઘણાં નટવરલાલો લાંબા સમય સુધી છૂપાઈને પણ રહી શકતાં હોય છે ! આ પ્રકારના કોલ અને આ પ્રકારના શખ્સો પ્રત્યે આંધળો ભરોસો આવા નટવરલાલોનાં કામોને આસાન બનાવી દે છે.