Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં ગઈકાલે રવિવારે તમામ સ્થળોએ વરસાદી માહોલ રહ્યો હતો અને લોકોએ આસપાસના નાના મોટા જળાશયો છલકાઈ જતા પાણીના ધોધ જોવાની મજા પણ પરિવારો સાથે લીધી હતી, એવામાં આજે સવારે 6:00 કલાકે પૂર્ણ થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ તેના જાહેર થયેલ આંકડાઓમાં સૌ પ્રથમ તાલુકા મથકોએ વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં ગત સાંજે 4 થી 5 એક કલાક દરમિયાન જ ત્રણ ઇંચ, તો ધ્રોલ જોડિયા અને કાલાવડ શહેરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા જયારે લાલપુર શહેરમાં 1 ઇંચ તો જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર તાલુકાના વસઈ, અલીયાબાડામાં બબ્બે ઇંચ, લાખાબાવળમાં સવા બે ઇંચ, ફલ્લામાં પોણા બે ઇંચ, જામવંથલીમાં 1 ઇંચ, તો દરેડમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, આ તરફ જોડીયા તાલુકાના બાલંભામાં 1 ઇંચ અને પીઠડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે
કાલાવડના નિકાવા, નવાગામ, મોટા પાંચદેવડામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુર તાલુકાના સમાણામાં સવા બે ઇંચ, શેઠવડાલામાં અઢી ઇંચ, ધુનડામાં 1 ઇંચ ધ્રાફામાં 3 ઇંચ, અને લાલપુર તાલુકાના પીપરટોડામાં સવા બે ઇંચ, ભણગોરમાં 1 ઇંચ, મોટા ખડબામાં સવા ઇંચ, અને હરીપરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.