Mysamachar.in:જામનગર
શોલે ના પ્રખ્યાત ડાયલોગ હમારી જેલ મેં સુરંગ ?! -માફક જામનગર સહિત સમગ્ર રાજ્યની વિવિધ જેલોમાં ઘણું ચાલતું રહેતું હોય છે, જે પૈકી અમુક બાબતો જાહેર થતી હોય છે. રાજ્યની મોટાભાગની જેલો કુખ્યાત આરોપીઓને સાચવી બેઠી હોય, આ ખરાબ સંગતને કારણે જેલના સ્ટાફમાં પણ પણ કેટલાંક દૂષણો પ્રવેશી જાય છે, એમ લોકો મજાકમાં કહેતાં હોય છે. આ અર્થમાં, જામનગરની જેલ પણ કુખ્યાત છે. અહીં અવારનવાર પ્રતિબંધિત ચીજો મળી આવે છે, જેમાં જેલ સ્ટાફની સંડોવણી પણ ખૂલતી હોય છે, જો કે આવા કોઈ કસૂરવારને દાખલારૂપ આકરી સજાઓ થતી નથી, એ અલગ બાબત છે.
જામનગરની આ જેલમાં કાલે સોમવારે રાત્રે જામનગર પોલીસનો મોટો કાફલો ત્રાટક્યો. જેમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના બાર પંદર અધિકારીઓ અને એકસો જેટલાં પોલીસકર્મીઓ હતાં. સૌએ જેલનો એક એક ખૂણો તપાસી લીધો, બધાં જ બંદીવાનોને ચેક કરી લીધાં. પણ, પોલીસનો આ ફેરો ફોગટ રહ્યો. જેલનું તંત્ર વ્યવસ્થિત ચાલે છે, એવું અંતે જાહેર થયું.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)
આ ચેકિંગમાં લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પેરોલ ફર્લો સ્કવોડ સહિતની શાખાઓ અને શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફને જોડવામાં આવ્યો હતો. પરંતુ જામનગરની આ જેલ તપાસમાં સાફપાક જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, ચેકિંગ દરમિયાન કશું જ વાંધાજનક મળી આવેલ નથી.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024-2.jpg)