mysamachar.in-જામનગર
આપણે ત્યાં સામાન્ય સંજોગોમાં ઘરમાં કે વ્યવસાયના સ્થળ પર વીજચોરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે અને આવી વીજચોરીઓ ઝડપી પાડવા માટે પીજીવીસીએલ ની ટુકડીઓ કાર્યરત હોય છે,પણ છેલ્લા કેટલાક સમયથી વડોદરા વિજિલન્સને જામજોધપૂરના નજીક આવેલ વીરપુર ગામ આસપાસના વિસ્તારોમાં મોટાપાયે જ્યોતિગ્રામ ફીડરમાં થી વીજચોરી થતી હોવાની માહિતી ને આધારે ગઈકાલે જામનગર જીયુંવીએનએલ પોલીસ અને પીજીવીસીએલ ના સ્ટાફએ જામજોધપુર તાલુકામાં બે સ્થળોએ થી જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાં થી ખુદ અધિકારીઓને પણ આશ્ચર્ય પમાડે તેવી વીજચોરી ઝડપી પાડી છે,
પોતાની વાડીમાં પિયત કરવા માટે સમાણા નજીક આવેલ વીરપુર ગામમા એક ખેડૂતએ જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાં થી સીધી જ એગ્રીકલ્ચર કનેક્શનમાં ફ્યુસકટર ફીટ કરીને થ્રી ફેસ કેબલવાયર જમીનમાં બિછાવી અને પોતાની વાડી થી અંદાજે બે કિલોમીટર જેટલી દુરથી સુવ્યસ્થિત રીતે છેલ્લા કેટલાય સમયથી વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે,જયારે હાજર ભાગીયાઓ એ પીજીવીસીએલ ના અધિકારીઓને કઈ રીતે જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી પાવરચોરી માટેની જાળ બિછાવી છે તે બતાવી ત્યારે ખુદ ભણેલ ગણેલ ઈજનેરો પણ દંગ રહી ગયા,જેને પોતાની માંડવી નો પાક બળી ના જાય અને જયારે પણ પાકને પાણી આપવું હોય તે આપી શકાય તે માટે વોકળામાંથી થી પસાર કરીને છેક પોતાના વાડી સુધી કનેક્શન લેનાર ખેડૂત ને ૨.૧૬ લાખનું દંડનીય વીજબીલ પણ ફટકારવામાં આવ્યું છે,
જીયુવીએનએલ પોલીસે સ્થળ પરથી જ્યોતિગ્રામ યોજનામાંથી સીધી જ પાવરચોરી કરવા માટે જમીનમાંથી દાટેલો ૧૫૦૦ મીટર વાયર,ઇલેક્ટ્રિક મોટર,બોર્ડ પેનલ વગેરે મળી ૭૦ હજારનો મુદામાલ પણ જપ્ત કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
તો ધુનડા ગામમાં પણ ખેતીવાડીના કનેક્શનમા થી ડાયરેક્ટ વીજજોડાણ આપી અને મોટાપાયે કરવામાં આવી રહેલ વીજચોરી પણ સ્ટાફે ઝડપી પાડી છે,જેમાં થી પણ ડાયરેક્ટ કરવા માટે નો ૪૦ મીટર જેટલો વાયર કબજે કરી અને જે-તે ખેડૂતને ૩૨૦૦૦ નું દંડનીય વીજબીલ ફટકારવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી પીજીવીસીએલ સબ ડીવીઝનના નાયબઈજનેર કોરિયા,કે.ડી.કોરેચા,સાથે જીયુવીએનએલ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ પી.પી.ઝાલા,એચ.આર.ગોહિલ,રણજીતસીંગ લુબાના,કે.એચ.પાડલીયા સહિતના કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ રીતે વીજચોરી થાય તો શું થાય નુકશાન..
ખેડૂતો દ્વારા વીજચોરીના ગઈકાલે આવા એકાદ કિસ્સો તો સામે આવ્યો પણ આવા વીજચોરી જિલ્લામાં અન્યત્ર થતી હશે કે કેમ તે પણ તપાસનો વિષય તો છે જ..એવામાં જો આ રીતે વીજચોરી કરવામાં આવે તો જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે જે તે ટ્રાન્સફોર્મર પર ભારે લોડ આવે છે અને વધુ પડતા લોડ ને કારણે ટ્રાન્સફોર્મર ફાટી અથવા બળી જવાના કિસ્સાઓ પણ બને છે.ઉપરાંત આવા જોડાણો માટે કરવામાં આવતા સાંધાઓમાં જો કોઈ પશુ કે માનવી તેને અડકી જાય તો મોતને પણ ભેટી શકે તેવી શક્યતાઓ પણ રહેલી હોય છે.