Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રૂપાલા વિરોધ અને રૂપાલા વિવાદ એક જ મુદાનો કાર્યક્રમ બની ગયો છે. સમગ્ર રાજ્યનો ક્ષત્રિય સમાજ રૂપાલા મામલે એકજૂથ છે અને, કોઈ પણ સંજોગોમાં રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક માટેની ઉમેદવારી રદ્દ કરાવવા માટે ભાજપા પર પાવરફૂલ દબાણ લાવવામાં આવી રહ્યું છે. સામા પક્ષે વિવાદીત નિવેદન છતાં ભાજપા રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોય, આ જંગ હાલ તો બરાબરીનો જંગ દેખાઈ રહ્યો છે.
દરમિયાન, જે ક્ષત્રિય નેતાઓ ભાજપામાં છે અને સમાજની સાથે રહેવાને બદલે પક્ષ સાથે રહે છે તે નેતાઓ ક્ષત્રિય સમાજના રોષ અને આક્રોશનું નિશાન બની રહ્યા છે. આ પ્રકારના નેતાઓ મીડિયામાં ‘ભાજપૂતો’ તરીકે ચીતરાઈ રહ્યા છે. આ દરમિયાન, બે દિવસથી એક ઓડિયો ક્લિપ સમગ્ર ગુજરાતમાં ભારે વાયરલ છે. આ ક્લિપમાં એક મહિલા, ભાજપાના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાને સંબોધીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ ક્લિપમાં બોલી રહેલાં મહિલા કોણ છે, તેનો કોઈ ખુલાસો હજુ સુધી બહાર આવ્યો નથી, આ મહિલા પોતાને ક્લિપમાં રાજપૂત મહિલા તરીકે રજૂ કરે છે અને, રિવાબાને રાજપૂત સમાજ સંબંધે ભાષણ અને સલાહ આપી રહ્યા છે અને સાથે પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. Mysamachar.in આ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ ઓડિયો ક્લિપ અંગે સોશ્યલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ છે.
આ ઓડિયો ક્લિપમાં એક મહિલા રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સંબોધીને બોલે છે: તમે ગામડે ગામડે મહિલા સશક્તિકરણ માટે સૌને જાગૃત કરતાં હતાં. મહિલાઓ જાગૃત થઈ ગઈ છે. તમે અત્યારે, બધે જ રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે, ક્યાં ખોવાઈ ગયા છો. ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ આજે સમાજની અસ્મિતા માટે રોડ પર ઉતરી પડી છે ત્યારે, સમાજના દીકરી તરીકે તમારૂં લોહી તપતું નથી ? આપણે સૌ સમાજથી ઉજળા છીએ, રાજકીય પક્ષથી નહીં. પક્ષ તો આજે છે, કાલે નથી. સમાજ કાયમી છે. પાર્ટીને જયારે તમારાંથી બળવાન ઉમેદવાર મળી જશે ત્યારે, પાર્ટી તમને રાતોરાત બિસ્તરા લઈને હાલતાં કરી દેશે.
આ મહિલાએ ક્લિપના અંતમાં કહ્યું છે કે, સમાજની બેન દીકરીઓ આજે જ્યારે રોડ પર આંદોલન કરી રહી છે ત્યારે, તમે જે પદ પર બેઠાં છો ત્યાંથી સમાજમાં સેવા યોગદાન તો આપો….અત્રે ઉલ્લેખનિય છે કે, હાલારમાં ખંભાળિયા, ભાણવડ, લાલપુર, કલ્યાણપુર એમ તમામ તાલુકાઓમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાના વિવાદીત નિવેદનનો ભારે વિરોધ હોય, હવે ભાજપાના ક્ષત્રિય નેતાઓ પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરના રાજવી જામસાહેબ દ્વારા પણ ક્ષત્રિય સમાજને એક થવા અને સમાજને નુકસાન પહોંચાડનારને ચૂંટણીઓમાં હરાવવા હાકલ કરવામાં આવી છે. આ નિવેદનને પણ સમગ્ર હાલારમાં ભારે મહત્વપૂર્ણ લેખવામાં આવી રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના રાજવી પરિવારો રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની સાથે હોવાના અહેવાલો પણ આ અગાઉ આવી ચૂક્યા છે.