Mysamachar.in-જામનગર:
જામનગરના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી(કલેક્ટર) દ્વારા ગત્ રોજ 19મી ડિસેમ્બરે સાંજે પત્રકાર પરિષદમાં, જામનગર જિલ્લાની ડ્રાફ્ટ મતદારયાદીની વિગતો જાહેર કરવામાં આવી છે. આ મતદારયાદીની નકલો તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ આપવામાં આવી છે.
ગત્ રોજ શુક્રવારે સાંજે જિલ્લા સેવાસદન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે જાહેર કર્યું કે, જામનગર જિલ્લામાં તા.27-10-2025ની સ્થિતિએ કુલ 12,41,097 મતદાતાઓ નોંધાયેલા હતાં. ત્યારબાદ SIR કામગીરીઓ અંતર્ગત BLO મારફતે મતદાતાઓને ફોર્મ આપવામાં આવ્યા હતાં. અને, બાદમાં આ ભરેલા ફોર્મ પરત મેળવવામાં આવ્યા છે.
તા.19મી ડિસેમ્બરે આ પત્રકાર પરિષદમાં જે ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે તેમાં કુલ 10,63,620 મતદાતાઓના નામોનો સમાવેશ થાય છે. એટલે કે, કુલ 1,77,477 મતદાતાઓના નામો હાલ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી બાકાત (દૂર) કરવામાં આવ્યા છે.
આ અંગે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, જે મતદાતાઓના નામો આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે તેમાં 43,112 મતદાતાઓ એવા છે જે અવસાન પામી ગયા છે. 89,029 મતદાતાઓ પોતાના મૂળ સરનામા પરથી સ્થળાંતરિત થઈ ગયા છે. 35,450 મતદાતાઓ એવા છે જે BLO ને મળી શક્યા નથી. આ મતદાતાઓને ગેરહાજર ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત 6,437 મતદાતાઓના નામો ડુપ્લિકેટ રીતે નોંધાયેલા હતાં અને 3,449 મતદાતાઓને અન્ય ગણવામાં આવ્યા છે, જેમના વિષે તંત્રને કશી જ માહિતીઓ નથી.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, જો કોઈ પણ મતદાતાને આ પ્રસિધ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી સંબંધે પોતાના કે અન્યના નામો અંગે કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો, આગામી તા.18-01-2026 સુધીમાં હક્ક-દાવા કે વાંધાની અરજી આપી શકાશે. અને તા.10-02-2026 સુધીમાં તંત્ર આ પ્રકારની તમામ અરજીઓનો નિકાલ કરી આપશે. અને ત્યારબાદ તા.17-02-2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં વધુમાં જણાવાયું કે, જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તે નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નંબર 6 ભરીને આપી શકશે. જેમને નામ વગેરેમાં સુધારાઓ કરવાના હોય તે મતદાતાઓ ફોર્મ નંબર 8 ભરીને આપી શકશે. અંતમાં જણાવવામાં આવ્યું કે, 1,29,128 મતદારો એવા મળી આવ્યા છે જેનું મેપિંગ શક્ય બન્યું નથી. આ મતદાતાઓને નોટિસ આપવામાં આવશે, પુરાવાઓ માંગવામાં આવશે અને બાદમાં આ નામો અંગે ચૂંટણીતંત્ર નિર્ણય લેશે.


