Mysamachar.in-રાજકોટ:
જામનગરના શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશ નામના શખ્સની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ જામનગરનો કારખાનેદાર હોવાનું અને યુવકોને હોટેલમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવતો હોવાનું બહાર આવ્યું છે. આ રીતે તેણે રાજકોટના સજાતીય સંબંધના શોખીન એક યુવકને રાજકોટની એક હોટેલના બાથરૂમમાં ‘સાથે’ સ્નાન કરાવ્યું અને કોઈ રીતે નગ્ન વીડિયો ઉતારી, બાદમાં તેની પાસેથી નાણાં પડાવી લીધાં- આ મતલબની પોલીસ ફરિયાદ રાજકોટ ખાતે થઈ છે.
રાજકોટ પોલીસમાં એવી ફરિયાદ થઈ છે કે, જામનગરનો આ શખ્સ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી રાજકોટના એક સમલૈંગિક યુવકના સંપર્કમાં આવ્યો. બાદમાં આ યુવકને હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો. નગ્ન વીડિયો બનાવાયો. બાદમાં આ યુવકને ધમકાવી નાણાં તથા મોબાઈલ પડાવી લેવામાં આવ્યા. આ આખો ખેલ રાજકોટના નાના મવા ખાતેની એક હોટેલના રૂમમાં રચાયો હતો આથી રાજકોટ તાલુકા પોલીસમાં આ યુવકે ફરિયાદ દાખલ કરાવી છે.

જામનગરના આ શખ્સનું નામ આરોપી તરીકે લખાવાયું છે. આ શખ્સ કારખાનેદાર છે. તેનું નામ શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશ સુરેન્દ્રસિંહ નિરબાન જાહેર થયું છે. ફરિયાદી કોલેજિયન યુવક રાજકોટમાં કાલાવડ રોડ પર રહે છે. આ બંને એક એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવ્યા બાદ, એકમેકને મેસેજ કરતાં. આ કોલેજિયન યુવક સમલૈંગિક છે.
ત્યારબાદ જામનગરનો પ્રકાશ રાજકોટના નાના મવાની હોટેલ નોવાબ્લીચમાં રોકાયો. ત્યાં પેલા યુવકને બોલાવ્યો. બાદમાં આ બંને બાથરૂમમાં ‘સાથે’ સ્નાનમાં વ્યસ્ત રહ્યા. બાદમાં કોલેજિયન યુવકને ખબર પડી કે, તેનો નગ્ન વીડિયો ઉતરી ચૂક્યો છે. શૈલેન્દ્રસિંહે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં સમલૈંગિક યુવક ગભરાયો. બાદમાં શૈલેન્દ્રસિંહે આ યુવકના 2 બેંક એકાઉન્ટમાંથી રૂ. 65,000 ઉપાડી લીધાં. આ ઉપરાંત આ યુવકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, શૈલેન્દ્રસિંહે રૂ. 36,000 નો મોબાઈલ ખરીદી લીધો. અને યુવકને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તથા કોઈને આ વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ સમલૈંગિક યુવકે આ મતલબની પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે શૈલેન્દ્રસિંહની ધરપકડ કરી છે અને બનાવની તપાસ હાથ ધરી છે.