Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની પોલ વધુ એક વખત ઉઘાડી પડી ગઈ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ 2026-27 નું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2025-26 નું રિવાઈઝડ બજેટ રજૂ થયું. જેના અમુક આંકડાઓ દર્શાવે છે કે, મહાનગરપાલિકા લોકો પાસેથી મિલકતવેરો અને પાણી ચાર્જ વસૂલવામાં ટૂંકી પડી રહી છે. કરોડો રૂપિયા વસૂલવાના બાકી બોલતાં હોય અને મહાનગરપાલિકાનું સંચાલન કરવા ગાંધીનગરથી નાણાં મેળવવા વારંવાર હાથ જોડવા પડતાં હોય- આ આખું ચિત્ર કેવું વિચિત્ર દેખાય ?!
મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, 26-01-2026ની સ્થિતિએ અમે લોકો પાસેથી રૂ. 550 કરોડ 90 લાખ 64,245નો મિલકત વેરો વસૂલી શક્યા નથી. નગરજનો નાણાં ભરતાં નથી. વોર્ડ નંબર 2 ના 27,000થી વધુ કરદાતાઓ રૂ.124 કરોડ 41 લાખ 67,559ની રકમ મહાનગરપાલિકામાં જમા કરાવતા નથી. આ આંકડો સૌથી મોટો છે. આ કોઠામાં મહાનગરપાલિકાએ 19 વોર્ડ (વિભાગ) દેખાડયા છે. સૌથી ઓછાં લેણાં વોર્ડ નંબર 9 માં રૂ. 3 કરોડ 60 લાખ 70,926 બાકી છે. આ આંકડાઓમાં કાર્પેટ બેઝ તથા રેન્ટ બેઝ હાઉસટેકસના બાકી લેણાંનો સમાવેશ થાય છે. વર્ષો અગાઉ મહાનગરપાલિકા રેન્ટ બેઝ પધ્ધતિએ આ વેરો વસૂલતી, એ સમયના 7,245 કરદાતાઓ પાસેથી રૂ. 62 કરોડ 9 લાખ 52,399ની રકમ આજે વર્ષો પછી પણ વસૂલવાની બાકી છે ! એટલે કે, આ દરેક કરદાતા મહાનગરપાલિકાની એવરેજ રૂ. 85,707ની મિલકતવેરાની રકમ વર્ષોથી દબાવીને બેઠો છે. મહાનગરપાલિકા આ નાણાં કઢાવી શકી નથી.
આ જ રીતે મહાનગરપાલિકાએ શહેરના 26 વોર્ડ (વિભાગ)ના રહેવાસીઓ પાસેથી પાણી ચાર્જના રૂ. 142 કરોડ 49 લાખ 78,637 લેવાના હજુ વર્ષો પછી પણ બાકી છે. આ આંકડાઓ 26-01-2026ની સ્થિતિ દર્શાવે છે, જેમાં હાલના નાણાંકીય વર્ષના બાકી લેણાંનો પણ સમાવેશ થાય છે અને વર્ષો અગાઉ જ્યારે શહેરમાં રેન્ટ બેઝ મિલકત વેરાની પધ્ધતિ હતી ત્યારના પાણી ચાર્જની રકમનો પણ સમાવેશ થાય છે.
વર્ષો અગાઉની રેન્ટ બેઝ પધ્ધતિ સમયના શહેરના 7,354 કરદાતાઓ એવા છે જેમણે પાણીના રૂ. 21 કરોડ 95 લાખ 93,525 ની રકમ આજની તારીખે મહાનગરપાલિકાને આપી નથી. એટલે કે આ દરેક એવરેજ કરદાતા મહાનગરપાલિકાના પાણીના રૂ. 29,860 દબાવીને બેઠો છે.આ જ રીતે, સ્લમ વિસ્તારના 22,008 કરદાતાઓ એવા છે જેણે મહાનગરપાલિકાને રૂ. 28 કરોડ 86 લાખ 49,502 પાણી પેટે હજુ આપ્યા નથી. આ દરેક એવરેજ કરદાતા પાણીના રૂ. 13,115 દબાવીને બેઠો છે.
આવી જ રીતે, કાર્પેટ બેઝ પધ્ધતિની વાત કરીએ તો 78,715 કરદાતાઓ એવા છે જેણે મહાનગરપાલિકાને 26-01-2026ની સ્થિતિએ પાણીના ચાર્જના રૂ. 91 કરોડ 67 લાખ 35,610 આપ્યા નથી. મતલબ, આ દરેક એવરેજ કરદાતા પાણીના રૂ.11,646 દબાવીને બેઠો છે. આ કરોડો રૂપિયા મહાનગરપાલિકા કરદાતાઓ પાસેથી વસૂલી શકતી નથી, બીજી તરફ મહાનગરપાલિકાએ નાણાં શોધવા ‘ગામમાં નીકળવું પડી રહ્યું છે ‘ અને એ પણ હકીકત છે કે, મહાનગરપાલિકાને આ કરોડો રૂપિયા ન આપતાં કરદાતા નાગરિકો મહાનગરપાલિકા પાસેથી સેવાઓ અને સુવિધાઓની અપેક્ષાઓ રાખે છે અને માંગ કરે છે કે, અમને સેવાઓ અને સુવિધાઓ આપો. મહાનગરપાલિકામાં બાકી દેણાં ભરવામાં આ નાગરિકોને ‘જોર’ પડે છે, મફતમાં સેવાઓ અને સુવિધાઓ ના મળે તે પણ યાદ રાખવું જોઈએ.


























































