Mysamachar.in-જામનગર:
3 મહિલાઓ અને 2 પુરૂષો જામનગર નજીકના ફલ્લાના એક તળાવ વિસ્તારમાં ત્રાટક્યા અને એક કન્સ્ટ્રક્શન વ્યવસાયી- વેપારીને પોતે પત્રકારો હોવાની દમદાટી આપી, માટીખોદાણ મામલે રૂ. 3,000નો તોડ કરી આવ્યા, એ મતલબની એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
ફલ્લા ગામના મફતીયાપરામાં રહેતાં બકાભાઈ જહાભાઈ બાંભવાએ ખંભાળિયા અને જામનગરમાં રહેતી કુલ 3 મહિલાઓ અને 2 પુરૂષો વિરુદ્ધ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત્ તા. 22મી માર્ચે બપોરે બે વાગ્યા આસપાસ, આ ફરિયાદી ફલ્લાના કરાર તળાવે હતાં. ફરિયાદી બકાભાઈ ત્યારે, સાહેદ ભરત દલસાણિયાના ખેતરમાં ટ્રેક્ટરથી માટી ભરી રહ્યા હતાં.
આ સમયે ખંભાળિયાનો એક શખ્સ, જામનગરનો એક શખ્સ અને જામનગરની ત્રણ મહિલાઓ આ સ્થળે આવી પહોંચ્યા. આ પાંચેયની ટોળકીએ ફરિયાદીને પોતાની ઓળખ પત્રકારો તરીકે આપી અને આ માટી ભરી રહેલાં ફરિયાદીનો વીડિયો બનાવી, વાયરલ કરવાની દમદાટી આપી, બળજબરીથી ફરિયાદી પાસેથી રૂ. 3,000 કઢાવી લીધાં- એમ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે.
આ કથિત તોડ પ્રકરણના આરોપીઓ નામો: પ્રવિણ કરશનભાઈ પરમાર (ખંભાળિયા), પુંજા કમાભાઈ ચાવડા( શંકર ટેકરી,જામનગર), વૈશાલી મનિષ ધામેચા ( માટેલ ચોક, જામનગર), જયોતિ હેમંત મારકણા( મધુરમ રેસિડેન્શિ, જામનગર) અને વિરૂબેન સવજી પરમાર (હનુમાન ટેકરી, જામનગર). સામે ફરિયાદ બાદ હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધાં છે.