Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય- રાજ્યના પૂર્વ કૃષિમંત્રીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાની બદનામી કરવા અંગે એક શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. યોગાનુયોગ એ છે કે, આ શખ્સ વિરુદ્ધ જામનગરના એક બિલ્ડરે પણ આ જ મતલબની ફરિયાદ દાખલ કરાવી છે. આમ એક જ શખ્સ વિરુદ્ધ આ પ્રકારની 2 FIR ઉપરાઉપરી દાખલ થતાં શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ(રહે. ધ્રોલ)એ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે એ શખ્સ ફેસબુક પર વિશાલ કણસાગરા નામનું અને ઈન્સ્ટાગ્રામ પર વી.કણસાગરા77 નામના ID ધરાવે છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, આ ID ધરાવનાર ધારકે ફરિયાદીને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર બદનામ કર્યા છે. બદનક્ષી કરી છે. કોઈને કોઈ પ્રકારે ફરિયાદી પાસેથી નાણાં પડાવવાના ઈરાદે, ખુદની સસ્તી પ્રસિદ્ધિ માટે ફરિયાદીના ફોટાનો તથા AIનો ઉપયોગ કરી ખોટું ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કર્યું છે. આરોપીએ સુલેહભંગ થાય તેવું કૃત્ય કર્યું છે અને ઉશ્કેરણી ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો છે.
આવી જ ફરિયાદ એક બિલ્ડરે પણ દાખલ કરાવી..
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઉપરોકત ID ધરાવતા શખ્સ વિરુદ્ધ જામનગરના બિલ્ડર જમનભાઈ શામજીભાઈ ફળદુએ પણ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં જણાવાયું છે કે, આ ID ધારકે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફરિયાદી તથા ફરિયાદીના પુત્રની બદનામી કરી છે અને 2 ખેડૂતોને ધમકી આપી છે. શહેરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં આ ફરિયાદી બિલ્ડરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમે જે બે ખેડૂત પાસેથી જમીન ખરીદી છે, એ ખેડૂતોને આ આરોપીએ ધમકી આપી છે.





















































