Mysamachar.in-જામનગર:
જામનગરમાં વર્ષોથી મહાનગરપાલિકા હસ્તક રિવરફ્રન્ટ બનાવવાની વાતો ચાલે છે. મહાનગરપાલિકાએ આ યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરી લીધો છે અને નદીની માપણી સહિતની પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા આજની તારીખે જામનગરના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળી નથી.
આજે મહાનગરપાલિકાએ PRO શાખા દ્વારા જાહેર કર્યું કે, 21મી માર્ચે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસકપક્ષના કોર્પોરેશનના નેતા તથા દંડકએ CM સાથે મુલાકાત કરી. જે દરમિયાન CM સમક્ષ પાંચ મુખ્ય મુદ્દા રજૂ કરવામાં આવ્યા. તેમાં બીજા ક્રમના મુદ્દામાં જણાવાયું છે કે, સરકાર તાત્કાલિક રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપે તથા આ પ્રોજેક્ટ સંબંધિત ચોક્કસ કામો માટે સરકાર તાત્કાલિક ગ્રાન્ટ રિલીઝ કરે, એ મતલબની રજૂઆત CM સમક્ષ કરવામાં આવી.
આ ઉપરાંત રાવલસર તથા સરમતથી દરેડ સુધી નવો રિંગરોડ, GIDC વિસ્તારમાં B.U.પરમિશન નો મુદ્દો, પુરાતત્વ સંબંધિત પરમિશન અને જીડીસીઆરમાં જરૂરી સુધારાઓ અંગે પણ CM સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.