Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ધરારનગર-1 અને 2 વિસ્તારમાં પીણાના પાણીમાં ગટર મિશ્રિત પાણી પીવાના 21 લોકોને ઝાડા-ઉલ્ટીઓના એકીસાથે કેસો નોંધાતા સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આટલા બધા લોકોને એકીસાથે ઝાડા ઉલટીના કેસો સામે આવતા જામનગર મનપાની અલગ અલગ ટીમોને ગતરોજ રવિવાર સાથે આજે પણ દોડાદોડી કરવાની ફરજ પડીં રહી છે. ધરારનગર-1 અને 2 વિસ્તારમાં કોર્પોરેટર કાસમભાઈના ઘરની આજુબાજુના વિસ્તારોના લોકોને ઝાડા-ઉલ્ટીઓ થવા લાગતા અને સસ્પેક્ટેડ કોલેરાના કેસ નોંધાતા વિસ્તારમાં ચિંતાજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જે કેસો સામે આવ્યા છે તેમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃધ્ધો સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.એક જ વિસ્તારના 21 જેટલા વ્યક્તિઓ જી.જી.હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરોમાં દોડધામ મચી જવા પામી હતી.જામ્યુકોની જુદી જુદી ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. જેમાં ધરારનગર વિસ્તારમાં ગટરની લાઈન લીકેજ થવાથી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભળી જતું હોવાથી, તે પાણી લોકોએ પીતા ઝાડા-ઉલ્ટીઓના કેસ નોંધાયા હોવાનું સામે આવે છે.
અધિકારીક સુત્રો કહે છે કે…
આ મામલે જામનગર મનપાના અધિકારીક સુત્રો કહે છે કે આ વિસ્તારમાં છ જેટલા ગેરકાયદે પાણીના કનેકશનો ભૂર્ગભ ગટરની અંદરથી લેવામાં આવ્યા હતા અને તે લાઈન બ્રેક થઇ હોય અથવા તેમાં ગટરનું પાણી ભળી જવાથી અને તે પાણી પીવાથી આ રોગચાળો વકર્યો છે.
ગઈકાલ રવિવારથી આજે પણ અમારી ટીમો સતત કાર્યરત:આસિસ્ટન્ટ કમિશ્નર મુકેશ વરણવા
ધરારનગર વિસ્તારમાં ૨૧ લોકોને ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા તે અંગે મનપાએ શું કામગીરી કરી તેના પ્રત્યુતરમાં આસિસ્ટન્ટ કમિશ્નર મુકેશ વરણવાએ mysamachar ને જણાવ્યું કે ગટરનું પાણી ભળી રહ્યાની આશંકા છે ૨૧ જેટલા દર્દીઓ હોવાનું સામે આવ્યું છે કેટલાક લોકો હોસ્પીટલમાં તો કેટલાક ઘરે લઇ રહ્યા છે સારવાર આ વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કર્યો ડોક્ટરોની 4 ઓપીડી પણ શરુ કરી દેવામાં આવી છે સાથે દવાનો છટકાવ અને સફાઈ પણ સઘન કરાઈ છે. રોગચાળો વધતો અટકે તે માટે મનપાની ભૂર્ગભ, સોલીડવેસ્ટ, આરોગ્ય, વોટર વર્કસ સહિતના ટીમો અહી કામે લાગી છે.આ બે વિસ્તારો ઉપરાંત આસપાસના અન્ય વિસ્તારોમાં પણ કામગીરી ચાલુ કરાઈ છે.























































