Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયત નામ ખૂબ જ મોટું પરંતુ આવક મેળવવાની દ્રષ્ટિએ તેમજ ખર્ચ કરી શકવાની હેસિયતની દ્રષ્ટિએ આ જિ.પં.નું કોઈ જ ગજું નથી. નાણાં બાબતે આવડી મોટી સંસ્થાને ગાંધીનગરની ‘દયા’ પર જ દહાડા ખેંચવાના ! જામનગર જિ.પં. દ્વારા હાલમાં નાણાંકીય વર્ષ 2026-27 નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું. આ બજેટમાં જિ.પં. કોઈ જ ચમકારો દર્શાવી શકી નથી, આવડી મોટી સંસ્થા, કે જે જિલ્લાની 421 ગ્રામ પંચાયતોની માતૃ સંસ્થા છે, તેની પાસે આવકના કોઈ જ સાધન નથી, તિજોરી ઠનઠનગોપાલ હોવાથી, જિલ્લાના એકેય ગામ પાછળ, આ સંસ્થા ખર્ચ કરી શકવાની ત્રેવડ ધરાવતી નથી.
સૌ બજેટની ચોપડી સાથે ફોટા પડાવી, હસતાં મોઢા રાખે, એટલું જ, એક પણ રૂપિયાનું કામ કરવું હોય તો આ સંસ્થાએ ગાંધીનગર સમક્ષ ખોળો પાથરવો પડે. ખિસ્સા ખાલી અને ભપકો ભારી- એ કહેવત મુજબ આવડી મોટી સંસ્થાએ સરકારી કાર્યક્રમોમાં માત્ર દીવડા પ્રગટાવવાના, એથી વિશેષ આ સંસ્થા કોઈ જ ‘તાકાત’ ધરાવતી નથી અને રાજ્ય સરકાર નામના ખીલે કૂદે છે, એમ તેના બજેટ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વર્ષ 2026-27 ના અંદાજપત્રમાં આ સંસ્થા કહે છે: આપણે વર્ષ દરમ્યાન રૂ. 628 લાખની આવક મેળવીશું. જો કે આ માત્ર અંદાજ છે. અને વર્ષ દરમ્યાન આશરે રૂ. 723 લાખનો ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો છે. જિ.પં.ની તિજોરીમાં હાલ ચોપડા પર જે રૂ. 327 લાખ બોલે છે, તેમાંથી રૂ. 85 લાખ વર્ષ દરમ્યાન વાપરી નાંખશે. અને પાછાં હરખાતા કહે: અમારૂં બજેટ ‘પુરાંતલક્ષી’ !!! હકીકત એ છે કે, જિ.પં. પાસે કામો કરવાના ‘કાવડીયા’ છે જ નહીં, થોડા થોડા સમયે ગાંધીનગર ધક્કા ખાવા પડે.
આવડી મોટી સંસ્થા આટલાં વર્ષો દરમ્યાન આવકોના સ્ત્રોત ઉભા કરી શકી નથી, એ હકીકત સૂચવે છે કે, આ સંસ્થાના સશક્તિકરણ મામલે ‘સૌ’ સરિયામ નિષ્ફળ. કુપોષિત બાળકો, સિંચાઈ, બિસ્માર રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય અને ખેતી સહિતના એકેય ક્ષેત્રમાં આ સંસ્થા પાસે ન કોઈ વિઝન છે, ન નાણાં. વર્ષ 2026-27 ના બજેટમાં પણ, આ વિગતો વધુ એક વખત બહાર આવી ગઈ.






















































