Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. 5 નવેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ થયું અને 8 નવેમ્બરની સાંજ સુધીમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 139 ફોર્મ ઉમેદવારોએ એકત્ર કર્યા છે પરંતુ હજુ સુધીમાં એક પણ ફોર્મ ભરાઈને પરત તંત્ર સુધી પહોંચ્યું નથી. કેમ કે, હજુ મોટાભાગના ઉમેદવારો જાહેર થવાનાં બાકી છે. અને હજુ દિવસો પણ ઘણાં છે. તમામ મુખ્ય પક્ષોનાં ઉમેદવારો ફોર્મ દાખલ કરે પછી જ, અપક્ષોની ‘ ગોઠવણી ‘ કેવી રીતે કરવી ?! તેનો ખેલ સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં પડતો હોય છે ! આ વખતે પણ એવું થશે, એમ અત્યારે દેખાઈ રહ્યું છે.
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સૌથી વધુ ફોર્મ 77-જામનગર ગ્રામ્ય બેઠક પર ઉપડ્યા છે. આ બેઠક કેબિનેટ મંત્રીની છે. અહીં મોટો ખેલ પડવાની સંભાવનાઓ છે. આ બેઠક માટે અત્યાર સુધીમાં 43 ફોર્મ ઉપડ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ફોર્મ ઉપડ્યા હોય એવી બીજાં ક્રમની બેઠક છે 79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક. આ બેઠક પર 36 ફોર્મ ઉપડ્યા છે. 78-જામનગર ઉતર વિધાનસભા બેઠક પર 30 ફોર્મ ઉપડ્યા છે. 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર 20 અને 76-કાલાવડ વિધાનસભા બેઠક પર 10 ફોર્મ ઉપડ્યા છે. એક પણ બેઠક પર એક પણ ઉમેદવારે હજુ સુધી ફોર્મ ભર્યું નથી. આ આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે બુધવારે સવારે જાહેર કરવામાં આવ્યા છે.