Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકામથક આખા ગુજરાતમાં કલંકિત ઢબે ચમકી ગયું. અહીંની એક સગીરાને 9 શખ્સોએ ચૂંથી નાંખી ! આ અત્યંત રાક્ષસી કૃત્ય સંબંધે ધ્રોલ પોલીસે જે ‘વરવી ભૂમિકા’ ભજવી તેને વડી અદાલતે અતિશય આઘાતજનક લેખાવી છે અને આ મામલામાં જામનગર એસપી ને વડી અદાલતમાં, વર્ચ્યુઅલ મોડમાં, હાજર થવા ફરમાન થયું છે.
17 વર્ષની સગીરાના દેહ સાથે 9 શખ્સોએ બેરહમીથી વાસના ખેલ ખેલ્યો ! છતાં ધ્રોલ પોલીસ લાંબો સમય સુધી પોતાની ગજચાલમાં ઝૂમતી ચાલતી રહી. પ્રથમ તો ઘણાં દિવસો સુધી ફરિયાદ ન લીધી, તત્કાલીન એસપી એ કહ્યું તો પણ ફરિયાદ ન લીધી. આરોપીઓને ‘ખાસ મદદ’ મળતી રહી. એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. આ બધી જ વિગતો હાઇકોર્ટમાં છતી થઈ.
મામલો 06-05-2019નો છે. 9 શખ્સોએ સગીરા સાથે ગેંગરેપ આચર્યો. કેસની શરૂઆતથી જ ધ્રોલ પોલીસના વલણ અને વર્તન સંબંધે અનેક સવાલ ખડા થયા. બનાવ બન્યો કે તરત જ જાણ કરવા છતાં પોલીસે કોઈ જ પગલાંઓ લીધાં નહીં. આથી પીડિતાની માતાએ જામનગર એસપી ને રજૂઆત કરી. તત્કાલીન એસપી એ આ અંગે ધ્રોલ પોલીસને જરૂરી સૂચનાઓ આપી. તો પણ ધ્રોલ પોલીસે આ મામલામાં કોઈ જ કાર્યવાહીઓ ન કરી !
ત્યારબાદ પીડિતાની લાચાર માતા વકીલને સાથે લઈ ધ્રોલ પોલીસ સ્ટેશન ગઈ. તેણીએ પોલીસમાં નિવેદન પણ લખાવ્યું. પછી પણ ધ્રોલ પોલીસે કોઈ જ કાર્યવાહીઓ કરી નહીં ! અચરજની વાત એ પણ છે કે, પોલીસે આ લાચાર માતાને ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું !
પોલીસના વલણથી નારાજ આ ફરિયાદીએ રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, જામનગર એસપી અને પોલીસ ઈન્સ્પેક્ટરને ફરી એકવાર લેખિત રજૂઆત કરી. ત્યારબાદ આખરે 09-07-2019ના દિને ધ્રોલ પોલીસે ફરિયાદ લેવી પડી. ગેંગરેપની ફરિયાદ છતાં આ ફરિયાદમાં બળાત્કારની કોઈ કલમ લખવામાં આવી નહીં !
આ મામલામાં ગંભીર અવલોકન કરતાં વડી અદાલતે જણાવ્યું કે, બનાવના ચાર વર્ષ બાદ પીડિતા મળી આવી છે. તત્કાલીન તપાસ અધિકારીએ 03-07-2023ના દિવસે પીડિતાનું નિવેદન લીધું જેમાં પીડિતાએ કહ્યું: તેણી પર માગો, કિશોર, સુનિલ, દીગો, તલો, સંજય, હસમુખ, કમલેશ અને વિજયે તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણી પર બેરહમીથી બળાત્કાર ગુજાર્યો.
પીડિતાના આ નિવેદન બાદ પણ પોલીસ દ્વારા તેણીને મેડિકલ એકઝામિનેશન કે તબીબી તપાસ માટે લઈ જવામાં આવી નહીં. આ ઉપરાંત CrPCની કલમ-164 મુજબ તેણીનું મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન લેવામાં આવ્યું નહીં. એટલે સુધી કે, પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં બળાત્કારના ગુના સંબંધિત કોઈ કલમ અથવા કલમો આરોપીઓ વિરુદ્ધ ઉમેરવામાં આવી નહીં, જે બહુ જ ગંભીર અને આઘાતજનક છે તેમ પણ વડી અદાલતે કહ્યું.
આ મામલામાં એક નોંધપાત્ર બાબત એ પણ છે કે, બધાં જ આરોપીઓ સ્થાનિક છે, છતાં આજ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ન તો સમરી રિપોર્ટ દાખલ કરાયો છે, ન તો ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં પીડિતાના નિવેદનની સત્યતા અંગે શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ મામલામાં ખુદ પોલીસે સ્વીકાર્યું છે કે, તેમણે કાયદા મુજબ, તાત્કાલિક પીડિતાને તબીબી તપાસ માટે મોકલી ન હતી. અદાલતે વધુમાં કહ્યું: સમગ્ર કેસની ચિંતાજનક અને સંવેદનશીલ હકીકતોને ધ્યાનમાં લેતાં સમગ્ર કેસની તપાસ જામનગર એસપીને કરવા અને આ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવે છે. વધુમાં, આગામી મુદ્દતે 17-12-2025ના રોજ જામનગર એસપીને વડી અદાલત સમક્ષ આ કેસની ન્યાયિક કાર્યવાહીઓ દરમ્યાન વર્ચ્યુઅલ મોડમાં અચૂક હાજર રહેવાનું રહેશે.


