Mysamachar.in:જામનગર
રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ગુરૂવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મેઘરાજાએ આ શકયતાને હકીકત પૂરવાર કરી દીધી, પાછલાં ચોવીસ કલાકમાં. જામનગર જિલ્લામાં સચરાચર વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના જામવંથલી ખાતે નોંધાયો. અહીં લગભગ સાડા નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાનાં ધ્રોલ અને જોડિયા તાલુકાને બાદ કરતાં અન્ય ચારેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ધ્રોલ અને જોડિયા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો.
પાછલાં 24 કલાકમાં તાલુકામથકની વાત કરીએ તો, સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ જામજોધપુરમાં પડ્યો. સૌથી ઓછો 13 મિમી વરસાદ જોડિયામાં નોંધાયો. કાલાવડ તાલુકામાં 6 ઈંચ જેટલો અને લાલપુર તાલુકામાં આશરે પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. લાલપુરની ઢાંઢર નદીમાં જબરદસ્ત પૂર આવેલું. જેમાં બે ફોર વ્હીલર તણાયા હતા જો કે જાનહાનિ થઈ નથી. જામનગરમાં પાછલાં ચોવીસ કલાકમાં લગભગ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે ધ્રોલમાં અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ પડયો. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જિલ્લામાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. કાલે રાત્રે 10 થી 12 નાં બે કલાકનાં સ્પેલને બાદ કરતાં રાતભર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતો રહ્યો. પાછલાં 30 વર્ષની સરેરાશની સરખામણીએ જામનગરમાં અત્યાર સુધીમાં 126.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના આંકડા જોઈએ તો, પાછલાં ચોવીસ કલાકમાં જામવંથલીમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના અન્ય મથકો મોટી ભલસાણમાં સાડા આઠ ઈંચ જેટલો વરસાદ, અલિયાબાડામાં 6 ઈંચ જેટલો, દરેડમાં સવાર ત્રણ ઈંચ જેટલો વરસાદ અને તાલુકાના અન્ય ગામો મોટી બાણુગારમાં 4 ઈંચ કરતાં વધુ, ફલલામાં અઢી ઈંચ જેટલો તથા વસઈ અને લાખાબાવળમાં 2 અને 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જોડિયાના હડિયાણામાં 4 ઈંચ જેટલો, બાલંભામા 2 અને પીઠડમાં અડધાં ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધ્રોલ તાલુકામાં લતીપુરમાં 2 ઈંચથી વધુ, જાલિયાદેવાણીમાં 4 ઈંચથી વધુ અને લૈયારામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડના મોટા પાંચ દેવડા ગામમાં 5 ઈંચ, નવાગામમાં 4 ઈંચ જેટલો, ભલસાણ બેરાજામાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ તથા નિકાવામાં 3 ઈંચ, મોટા વડાળામાં અઢી ઈંચ અને ખરેડીમાં અડધાં ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જામજોધપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ શેઠવડાળા અને પરડવામાં આશરે 9-9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાંસજાળિયામાં સાડા આઠ ઈંચ, સમાણામાં પણ સાડા આઠ ઈંચ જયારે ધ્રાફામાં 8 ઈંચ, જામવાડીમાં સાડા પાંચ અને ધુનડા ગામમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના ભણગોરમાં સાડા છ ઈંચ જેટલો વરસાદ, મોડપરમાં દોઢ ઇંચ જેટલો અને તાલુકાના અન્ય ગામો હરિપર, મોડપર, પડાણા અને પીપરટોડા ગામમાં દોઢેક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.