mysamachar.in-જામનગર:
જામનગરમાં વ્યાજખોર તત્વોએ ફરીથી માથું ઉચક્યું હોય તેમ એક વેપારીએ મુદ્દલ રકમ ઉપર વ્યાજની રકમ ચૂકવી આપેલ હોવા છતાં આ વેપારીનું મકાન અને દુકાન લખાવી લીધાની મહિલા સહિત ૬ વ્યાજખોરો સામે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ કરતાં વ્યાજના વિષચક્રનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા જામનગરના વેપારી સાથે બનેલા બનાવની વિગત એવી છે કે,મૂળ ભાવનગર જીલ્લાના તુસડી ગામના ઉમેશભાઈ મહેતા તેમનું વતન છોડી ધંધાર્થે જામનગરમાં ગાંધીનગર મોમાઈનગરમાં વસવાટ કરવા આવ્યા હતા,
દરમ્યાન મોમાઈનગરમાં જ ઉમેશભાઈ મહેતા બૂક સ્ટોલ,ડેરી,આઇસક્રીમનો વેપાર કરતાં હોય નાણાંની જરૂર પડતાં ઉમેશભાઈ મહેતાએ વ્યાજે નાણાં લેવાનો નિર્ણય કર્યો અને જામનગરમાં જ ઉમેશભાઈના સંપર્કમાં આવેલા મહિલા સહિત ૫ વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લઈને તેનું વ્યાજ પણ ચૂકવી આપેલ હતું,
તેમ છતાં વ્યાજવટાવનો ધંધો કરતાં મહાવીરસિંહ ઝાલા પાસેથી ઉમેશભાઈ મહેતાએ ૧.૩૦ લાખનું વ્યાજ ૪૩૫૦૦ તેમજ મહેન્દ્રસિંહ સોઢા પાસેથી ૪.૫૦ લાખનું પાંચ વર્ષનું વ્યાજ ૯.૭૬ લાખ,કિશોરસિંહ પરમાર પાસેથી ૧ લાખનું ૪ વર્ષનું વ્યાજ ૬ લાખ તેમજ હસમુખ કવા પાસેથી ૫૦ હજાર લીધાનુ ૭ માસનું વ્યાજ ૩૦ હજાર તથા પુનમબા જાડેજા પાસેથી ૧ લાખનું દોઢ વર્ષનું ૯૦ હજાર વ્યાજ અને કિશોરસિંહ રાઠોડ પાસેથી ૫૦ હજાર લઈને ૧૦ મહિનાનું ૨૫૦૦૦ વ્યાજ વેપારીએ ચૂકવી આપેલ હતું,
આમ વેપારીએ આ વ્યાજખોરો પાસેથી ૮.૮૦ લાખ જેવી રકમ વ્યાજે લઈને તમામ પાંચેય વ્યાજખોરોને ૨૧ લાખ ઉપરાંતની વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં વેપારીના મકાન અને દુકાન પચાવી પાડવા માટે વેપારીને ધમકી આપીને હેરાન પરેશાન કરી દુકાન,મકાનનું લખાણ કરાવી લેતા અંતે વેપારીએ પોલીસનો આશરો લઈને આ પાંચેય વ્યાજખોર તત્વો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.