Mysamachar.in-સુરત:
અનંત ફળદુ નામનો એક શખ્સ એવો દાવો કરે છે કે, તે જામનગરમાં જવેલરી શો-રૂમ ધરાવે છે. આ શખ્સે 27 વર્ષની એક ગુજરાતી અભિનેત્રીને કહ્યું: મારે ઘરેણાં લેવા માટે અવારનવાર દૂબઈ જવાનું થાય છે. દૂબઈમાં દાગીનાઓ સસ્તાં મળે છે. આ શખ્સની માયામાં ફસાયેલી અભિનેત્રીએ રૂ. 6 લાખ ગુમાવ્યા, એવું પોલીસમાં જાહેર થયું.
સુરત પોલીસે અનંત ફળદુ નામના આ શખ્સ વિરુદ્ધ ઠગાઈનો અપરાધ નોંધ્યો છે. દૂબઈથી સસ્તું સોનું મેળવવાની લાલચમાં, રિંકલ નામની આ અભિનેત્રી કહે છે, મેં રૂ. 6 લાખ કટકે કટકે ગુમાવી દીધાં. અનંતે મારી પાસેથી આ નાણાં મેળવી લીધાં. આ મામલામાં પોલીસ એમ પણ કહે છે કે, આ શખ્સે આ અભિનેત્રીને અગાઉ એક ફિલ્મમાં કામ અપાવ્યું હતું. આરોપી અને ફરિયાદી ત્યારથી એકબીજાના પરિચયમાં હતાં.
આ અભિનેત્રીની બહેનના લગ્નની વાતચીત ચાલતી હતી ત્યારે આ ફરિયાદી દાગીનાઓ ખરીદ કરવા ઈચ્છતી હતી, ત્યારે ગઠિયાએ અભિનેત્રીને જામનગરમાં જવેલરી શો-રૂમ, દાગીનાઓ, દૂબઈ વગેરેની વાતો કરી, વાતોમાં પલોટી લીધેલી. બાદમાં ગત્ માર્ચ અને એપ્રિલ દરમિયાન આ ગઠિયાએ આ અભિનેત્રી પાસેથી રૂ. 6 લાખ કટકે કટકે સેરવી લીધાં. કેટલીક ભાંગજડ બાદ, આ આખો મામલો પોલીસમાં પહોંચ્યો, જ્યાં આ બધી વિગતો બહાર આવી.