Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે. જન્માષ્ટમીના પર્વે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા. રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગતા જ કૃષ્ણ મંદિરો જય રણછોડ….. માખણ ચોર, નંદ ઘેર આનંદ ભયો…ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, મથુરા મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલ કી નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ડાકોર, દ્વારકા, શામળાજી અને ઇસ્કોન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકામાં 5250 જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જન્માષ્ટમીના પર્વ ગોમતીઘાટ પર સ્નાન કરવાનું ખૂબ મહત્વ અને માન્યતા હોવાથી ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ પછી 2.30 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લીધો હતો , તો દ્વારિકાનાથને ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. રંગબેરંગી વાઘા પહેરાવતાં ભગવાને અલૌકિક રૂપ ધારણ કર્યુ. સમગ્ર જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના ગીતો ગૂંજી ઉઠ્યા. ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે કરાઈ વ્યવસ્થા. ભક્તોની તમામ સુવિધા માટે પ્રશાસન પણ સજ્જ બન્યું. જન્માષ્ટમીના પગલે લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો.
દ્વારકામાં કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવ્યા. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા છે. રાત્રીના કૃષ્ણ જન્મોત્સવ બાદ આરતીનો ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભકતોએ લાભ લીધો. આ પ્રસંગે કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વાઈસ ચેરમેન ધનરાજભાઈ નથવાણી પણ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.