Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ચોમાસા સિવાયના સમયમાં પણ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં કાયમી ગંદકી જોવા મળે છે. આમ છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો વાળ કોઈ વાંકો કરી શકતું નથી. વળી, ચોમાસાની સિઝનમાં શહેરમાં ગંદા વિસ્તાર અને ગંદા પોઈન્ટની સંખ્યા વધી જતી હોય છે, આમ છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પોતાની જાણીતી બેદરકારીઓમાંથી બહાર આવતો નથી. આ વિભાગને સુધારવા જામનગરના મેયરે કાલે સોમવારે એક ખાસ બેઠક બોલાવી અને આ વિભાગને કેટલીક સૂચનાઓ પણ આપી.
સવાલ એ છે કે, સ્વચ્છતા અંગે મેયર જે ચિંતાઓ કરી રહ્યા છે, તે ચિંતાઓનો પડઘો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પાડશે ? કે, હોતી હૈ ચલતી હૈ માફક જ બધું ચાલતું રહેશે ? અથવા તો, પ્રશ્ન એ છે કે, હાલમાં રોગચાળા તથા ચોમાસાના સમયમાં મેયર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને દોડતો કરી શકશે ? વિભાગ ન દોડે અને કાયમી પરંપરા મુજબ રગશિયા ગાડા માફક જ ચાલતો રહેશે તો, મેયર ચાબૂક ફટકારશે ? કે પછી, આ બેઠક યોજાઈ હતી, એ પણ સૌ ભૂલી જશે ?!
કાલે 29મી જૂલાઈએ મેયરના અધ્યક્ષપદે સફાઈ બાબતે એક બેઠક યોજાઈ. બેઠકમાં કહેવાયું કે, દરેક વોર્ડમાં કાયમી સફાઈ કામદારોએ યુનિફોર્મ પહેરવો ફરજિયાત, કચરાના જે પોઈન્ટ બંધ કરવામાં આવ્યા છે, તે ફરી શરૂ ન થાય તેની તકેદારી રાખવી તથા જે પોઈન્ટ બંધ કરાવવાના છે તે નિર્ણયની તાકીદે અમલવારી કરવી, જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છતાં જાહેરમાં ઘાસચારો વેચાણ થાય છે તે બંધ કરાવવું, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા બાબતે આવતી ફરિયાદોનો નિકાલ લાવવો, સફાઈ કામદારો પોતાના બીટ વિસ્તારમાં સમયસર હાજર રહે છે કે કેમ તે ચકાસવું,
શહેરમાં જ્યાં પણ વરસાદી પાણીથી ખાડા ભરેલાં હોય ત્યાં પાણીના નિકાલની તથા જંતુનાશક દવા છંટકાવની વ્યવસ્થાઓ ગોઠવવી, જાહેર સ્થળોએ ન્યૂસન્સ ફેલાવતા ધંધાર્થીઓ સહિતના લોકોને આકરી સજાઓ કરવી, ધાર્મિક સ્થાનો તથા આંગણવાડી જેવી જગ્યાઓ આસપાસ સફાઈ બાબતે ખાસ તકેદારી લેવી, તમામ વોર્ડના ઝોનલ અધિકારીઓ, એસઆઈ તથા એસએસઆઈ ફીલ્ડ વર્કમાં ધ્યાન આપે છે કે કેમ તે ચકાસવું- આ પ્રકારની કડક સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંભાળતા મુકેશ વરણવા આ બેઠકમાં હાજર હતાં. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા અને સેનિટેશન કમિટીના ચેરપર્સન જશુબા ઝાલા વગેરે હાજર રહ્યા હતાં.