Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચથી છ જેટલી મોટરસાયકલને મોટું નુકસાન પહોંચાડ્યું હતું,ખંભાળિયાના ગાંધી ચોક વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી મેઈન બજારમાં અવારનવાર રખડતા ઢોરના ડેરા-તંબુ જોવા મળે છે. જેના કારણે આ વિસ્તારમાં વાહન ચાલકો- રાહદારીઓ ભારે હાલાકીનો અનુભવ કરી રહ્યા છે. એટલું જ નહીં, મેઈન બજારમાં વારંવાર રસ્તે રખડતા ઢોર બાખડવાના બનાવો પણ બને છે. આ પરિસ્થિતિમાં ગત સાંજે મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્ક પાસે બેઠેલા ગાય અને બળદના ઝૂંડ વચ્ચે બે આખલાઓ તોફાને ચડ્યા હતા. આ રમખાણમાં સતત દસથી પંદર મિનિટ સુધી આ બંને આખલાઓ બાખડતા થોડો સમય આ વિસ્તારના દુકાનદારો અને રાહદારીઓમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.
ઝનૂન પુર્વક બાખડી રહેલા આ બંને આખલાઓને છોડાવવા આસપાસના દુકાનદારોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આટલું જ નહીં એકાદ-બે રેકડીવાળાએ હિંમતપૂર્વક દંડા વડે બાખડતા આ આખલાઓને છુટ્ટા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આમ, સતત આશરે 15 મિનીટ સુધીના આ દ્વંદ્વયુદ્ધ પછી બંન્ને આખલાઓ છુટા પડ્યા હતા. આ પરિસ્થિતિમાં મેઈન બજાર વિસ્તારના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા પાંચ થી છ જેટલા સ્કૂટર- મોટર સાયકલ આ યુદ્ધનો ભોગ બન્યા હતા અને વાહનોમાં નુકસાની થવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મેઈન બજાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે. ત્યારે જો આજના આ ઢોર યુદ્ધમાં કોઈ મનુષ્ય ઢિંકે ચડ્યા હોત તો કંઈક ન બનવાનું ચોક્કસ બની જાત તેમ નજરે જોનારાઓનું કથન છે.