Mysamachar.in:પોરબંદર
જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીનાં નામે એક બોગસ સોલવન્સી દાખલો બની ગયો અને આ દાખલો પોરબંદરમાં રજૂ થયો ! આ દાખલો જામનગર તાલુકાના વાગડીયાનાં એક શખ્સે બનાવ્યો હોવાનું ખૂલ્યું છે. આ મામલે પોરબંદર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત્ માર્ચ મહિનામાં પોરબંદર નજીકના દરિયામાં ડોલ્ફિન માછલીઓનો શિકાર થતો હોવાનું ધ્યાનમાં આવતાં તંત્રએ જેતે સમયે એક બોટ કબ્જે કરી હતી. આ બોટ છોડાવવા જે દસ્તાવેજો રજૂ થયા એ દસ્તાવેજોમાં આ બોગસ સોલવન્સી દાખલો પણ છે, એવું વનવિભાગ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે.
ગત્ માર્ચ મહિનામાં પોરબંદરનાં દરિયામાં વનવિભાગ, કોસ્ટ ગાર્ડ તથા સ્થાનિક SOG દ્વારા અતિ કિંમતી ડોલ્ફિન માછલીઓનો શિકાર અને તેની દાણચોરીનું એક આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપી લેવામાં આવ્યું હતું. જેમાં ઉપયોગમાં લેવામાં આવેલી માછીમારી બોટ તામિલનાડુની હતી. તાજેતરમાં આ પ્રકરણમાં બોટમાલિકે બોટ તંત્રનાં કબજામાંથી છોડાવવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી. જે દરમિયાન આ બોગસ દાખલાનો મામલો સામે આવ્યો છે.
તામિલનાડુનાં આ શખ્સે પોતાની બોટ છોડાવવા જે પ્રક્રિયા શરૂ કરી તેમાં ધ્યાનમાં આવ્યું કે આ બોટ પાવર ઓફ એટર્ની મારફતે તામિલનાડુનાં શખ્સે પોરબંદરનાં એક શખ્સ પાસેથી મેળવેલી. પરંતુ આ બોટ છોડાવવા સોલવન્સી દાખલો રજૂ કરવો પડે. આ દાખલો પોરબંદરનાં એક જામીનદાર શખ્સ પાસે ન હતો. આથી તેણે જામનગર જિલ્લાના એક શખ્સનો સંપર્ક કર્યો હતો. આ શખ્સ જામનગર તાલુકાના વાગડીયા ગામમાં રહે છે.
તામિલનાડુનાં આ શખ્સે બોટ જામીન પર છોડાવવા જે દસ્તાવેજો રજૂ કર્યા હતાં તેમાં સોલવન્સી દાખલો વાગડીયાનાં કરશન વાલા ગોહિલના નામનો છે. આ દાખલો વાગડીયા ગામનો સર્વે નંબર ધરાવે છે. જે સંયુક્ત ઘરનો દાખલો છે. જેમાં જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીનો સિક્કો છે પરંતુ જામનગર મામલતદારની ગ્રામ્ય કચેરી કહે છે, અમોએ આવો કોઈ દાખલો ઇસ્યૂ કર્યો નથી. જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા આવા કોઈ દાખલામાં કોઈ સહી પણ કરવામાં આવી નથી.
આથી પોરબંદરના બરડા ડુંગરના આરએફઓ એ બોગસ સોલવન્સી દાખલો સહિતના દસ્તાવેજો અંગે પોરબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો સોલવન્સી દાખલો બોગસ સાબિત થશે તો આરોપી વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધાવી શકાશે એવું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, ડોલ્ફિન માછલીઓનો શિકાર વનવિભાગનાં કાયદા હેઠળ પ્રતિબંધિત છે. અને જે તે સમયે આ બોટમાં ડોલ્ફિનનાં 22 મૃતદેહ પણ મળી આવ્યા હતાં જેને કારણે આ આખું પ્રકરણ નેશનલ ન્યુઝ બન્યું હતું.