Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં જ્યાં જુઓ ત્યાં રેકડા અને પથારાવાળાના ત્રાસ મનપાની એસ્ટેટ શાખા અને પોલીસની કથિત હ્પ્તાખોરીને પાપે સર્વત્ર જોવા મળે છે, શહેરમાં એક તરફ લોકોના વાહનો ટોઈંગ કરવામાં આવે છે તો બીજી બાજુ પાર્કિંગ પ્લેસ જ નથી તો લોકો પોતાના વાહનો રાખે ક્યાં..? અને જે કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં પાર્કિંગ છે ત્યાં ગેરકાયદે દબાણો થઇ જતા તે પાર્કિંગ માટે નકામાં બની ચુક્યા છે એવામાં કેટલાક વિસ્તારોમાં કેટલાક દુકાનદારો અને શોરૂમના માલિકોએ પીળા પટ્ટા અંદરની જગ્યા પણ પોતાના કબજામાં લઇ લીધી હોય ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે જેને ધ્યાને લેનાર આ શહેરમાં કોઈ જ નથી,
જામનગર શહેરના હાલના રસ્તાઓ હવે વધારે પહોળા થઈ શકે તેવી શક્યતા દેખાતી નથી. વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે, આવી સ્થિતિમાં અમુક ધંધાર્થીઓ પોતાના ધંધાની જાહેરાત અર્થે વાહન પાર્ક કરવાની જગ્યાએ પ્લાસ્ટિકના બોક્સ મૂકી તેના ઉપર મોટા મોટા કદ ના પૂતળા ઉભા રાખીને જાહેરમાર્ગને વધારે સાંકડા બનાવવામાં યોગદાન (!) આપી રહ્યા છે!
આપણા શહેરની ફૂટપાથો ઉપર તો આમેય બાયસિકલો, ફર્નિચર, ખાણીપીણીના લારી ગલ્લાવાળાઓએ પોતાનો હક્ક હોય તેમ કબજો જમાવી દીધોછે!! તેમાં બાકી રહી જતું હોય તેમ હવે વાહન પાર્કિંગ કરવાની સમસ્યાથી ત્રસ્ત વાહનચાલકો માટેની સત્તાવાળાઓ દ્વારા જાહેરમાર્ગની બન્ને સાઈડમાં પીળા રંગના પટ્ટા દોરેલી જગ્યામાં પૂતળા ઉભા રાખીને અથવા તો લોખંડની જારીઓ મૂકી દઈ અને સમસ્યા ને ઔર વકરાવી રહ્યા છે!
ભૂલેચૂકે પણ કોઈ વાહનચાલક પોતાનું વાહન જરાક પણ પીળા રંગના પટ્ટાની બહાર રાખી દેતો ‘ ટોઈંગ કરવા વાળા’ તો ગમે ત્યાંથી પ્રગટ થઈ જાયછે!! વાહન સીધું જ હેડ ક્વાર્ટરમાં, અને ચાંદલો લટકામાં! રસ્તા ઉપર પૂતળા ઉભા રાખનારા અને લોખંડની જાળીઓ રાખનાર ધંધાર્થીઓને કશું પણ નહીં! સત્તાવાળાઓ ધારેતો ગમે તેવા ચમરબંધી ને પણ કાયદો દેખાડી શકે છે, પણ કાયદાનું પાલન કરાવવાની નિષ્ઠા હોવી જોઈએ! તેવો સવાલ લોકોમાંથી સતત ઉઠી રહ્યા છે.