Mysamachar.in-ગીરસોમનાથ:
બે દંપતીઓની આંતરરાજ્ય ગેંગ તહેવારોના દિવસોમાં રાજ્યના જુદા જુદા બસ સ્ટેશનોમાં સર્જાતી મુસાફરોની ભીડભાડમાં લોકોની નજર ચુકવી ખિસ્સા હળવા કરી રોકડ રોકમ અને મોબાઈલની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે. આ ગેંગના સભ્યોએ છેલ્લા બાર વર્ષમાં રાજયના જુદા જુદા બસ સ્ટેશનોમાંથી 339 જેટલા મુસાફરોના ખિસ્સા હળવા કરી રૂ.9.92 લાખની રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી અને આ ગેંગને ઝડપી પાડવામાં ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ પોલીસને સફળતા મળી છે.અને કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.
રાજ્યભરના બસ સ્ટેન્ડોમાં ભીડનો ફાયદો ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા કરી મોબાઈલ, રોકડ રકમની ચોરી કરતી બે દંપતીની આંતરરાજ્ય ગેંગને વેરાવળ પોલીસે રૂ.1.14 લાખની રોકડ સહિત સાડા સાત લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. આ દંપતી ગેંગએ છેલ્લા બાર વર્ષમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં ભીડમાં નજર ચુકવીને મુસાફરોના ખિસ્સા હળવા કરી રોકડ રકમની ચોરી કરવાના 339 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.
ઝડપાયેલા સંજય ઉર્ફે સંજુ મોતીસિંગ બેરાવત લબાના ઠાકોર તથા તેની પત્ની ગીતાબેન સંજય બેરાવત રહે. કતવારા ગામ, તા.જી.દાહોદ નરેશભાઇ હુમજીભાઇ ભાભોર તથા તેની પત્ની રેખાબેન નરેશભાઇ ભાભોર મોટી ખરજ તા.જી.દાહોદ વાળાની તલાસી લેતા ચોરી કરેલ આઈફોન મોબાઈલ, રોકડા રૂ.16 હજાર, અન્ય મોબાઈલ નંગ-5, એટીએમ નંગ-3, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બુક તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બ્રેજા કાર નં.GJ-07-DD-1053 મળી કુલ રૂ.7,34,300 નો મુદામાલ કબ્જે કર્યો હતો.રાજ્યના અલગ અલગ શહેરના બસ સ્ટેશનોમાં તહેવારે તથા મેળાના દિવસો દરમ્યાન સર્જાતી ભીડ ભાડના દિવસોમાં મુસાફરોની નજર ચુકવી તેઓના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઈલો ચોરી કરતા હોવાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી છે.




























































