Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત્ રોજ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં સુધારાઓ કરીને બજેટને જનરલ બોર્ડમાં મોકલવા, ભલામણો સાથે તૈયાર કરી લીધું છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા દરિયામાં છોડવામાં આવતાં ટ્રીટેડ પાણી અંગે પણ એક મુદ્દો છે. જો કે, આ મુદ્દે કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ આ પાણી ઉદ્યોગોને વેચાણથી આપી શકાશે.
નોંધનીય છે કે, હાલમાં શહેરમાં દૈનિક ધોરણે કરોડો લિટર વેસ્ટ વોટર નીકળે છે. આ ગંદા પાણી પૈકી રોજ 70 MLD એટલે કે 7 કરોડ લિટર ગંદુ પાણી મહાનગરપાલિકા વાર્ષિક કરોડો રૂપિયાના ખર્ચથી ટ્રીટેડ કરી, દરિયામાં છોડી દે છે. વર્ષોથી આ પાણીનો કોઈ જ ફરી ઉપયોગ થઈ શકતો નથી. જેને પરિણામે મહાનગરપાલિકા આ કરોડો લિટર પાણીમાંથી કોઈ જ આવક મેળવી શકતી નથી.
વર્ષોથી આ વેડફાટ-ખર્ચ થઈ રહ્યો છે. ખરેખર તો પ્લાન્ટ કાર્યરત થાય એના પ્રથમ દિવસથી જ આ પાણીમાંથી આવક પ્રાપ્ત કરવાનું પ્લાનિંગ થવું જોઈએ. જે વર્ષોથી થયું નથી. મહાનગરપાલિકાએ ગત્ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં આ પાણી અંગે કહ્યું કે, આગામી સમયમાં આ પાણી સિક્કા ખાતેના GSFC અને TPSને આપી આવક ઉભી કરવામાં આવશે.
આ સંબંધે ભૂગર્ભ ગટર વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશ ચાવડાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, આ માટે પ્રથમ દરખાસ્ત રાજ્ય સરકારમાં જશે. મંજૂરીઓ બાદ ઉદ્યોગો સાથે વાતચીત થશે. MoU થશે અને ઉદ્યોગો ક્યા ભાવે પાણી ખરીદશે, કેટલું પાણી રોજ ખરીદશે વગેરે બાબતો અંગે નેગોશિએશન થશે, ત્યારબાદ પાઈપલાઈન મારફતે ત્યાં પાણી પહોંચાડવામાં આવશે. જેમાંથી મહાનગરપાલિકાને આવક પ્રાપ્ત થશે.
ગત્રોજ સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો કે, આ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, સરકારમાં સબમિટ કરવામાં આવશે. બાદમાં કોઈ ચોક્કસ પધ્ધતિએ આ ટ્રીટેડ પાણી ઉદ્યોગોને વેચાણ કરી તેમાંથી મહાનગરપાલિકા આવક પ્રાપ્ત કરી શકશે. (હાલમાં જો કે, આ સમગ્ર વિષય એકદમ પ્રાથમિક તબક્કાઓમાં છે, જે પૂર્ણ થતાં મહિનાઓ કે વર્ષો નીકળી શકે છે). (file image source:google)


























































