Mysamachar.in-ગાંધીનગર:
ભારતીય પરંપરાના મહાન સંત કવિ તુલસીદાસે પાંચ હજાર વર્ષ અગાઉ રામાયણમાં ચોપાઈ લખી છે જેમાં કહેવાયું છે ‘ સમરથ કો નહીં દોષ ગુંસાઈ…’ આજે પાંચ હજાર વર્ષ બાદ પણ, તુલસીદાસ ઈઝ રાઈટ ! કોઈ સામાન્ય નાગરિક નાણાંભીડ જેવા કોઈ કારણસર રૂપિયા 1500-1700 જેવી ચાર આંકડાની પાણી બિલની રકમ સમયસર કોર્પોરેશનમાં કે પાલિકામાં જમા ન કરાવી શકે તો સરકાર માઈબાપનું લશ્કર તે નાગરિકના ઘરે વાહનો અને સાધનો સાથે ત્રાટકે અને તેનું નળજોડાણ કાપી નાંખે, ફોટા પડાવે, હાથમાં મોબાઈલ રાખીને !
પરંતુ બીજી તરફ હકીકત એ છે કે, જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિતના રાજયના વિવિધ જિલ્લાઓ એવા છે જેના કુલ 239 ઔદ્યોગિક એકમોએ સરકારને પાણીના નાણાં આપ્યા નથી. પાણીના બિલની એક લાખ કરતાં વધુ રકમ બાકી હોય એવા ઉદ્યોગોની છેલ્લા એક જ વર્ષની પાણીબિલની બાકી રકમ રૂ. 8,138.89 કરોડ છે ! આ પ્રકારના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓને સરકાર માત્ર નોટિસ આપે છે, વસૂલાત કરી શકતી નથી. આ આંકડાઓ વિધાનસભામાં ખુદ સરકાર આપે છે.
રાજયના જળસંપતિમંત્રીએ વિધાનસભામાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ મુદ્દે કેટલાંક કોર્ટ કેસ પણ ચાલે છે. કેટલાંક બાકીદારો વિરુદ્ધ મિલકતબોજાની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. રૂપિયા 7,354.49 કરોડ છેલ્લા એક વર્ષથી અને રૂપિયા 7,098.18 કરોડ છેલ્લા ત્રણ વર્ષથી વસૂલાયા નથી. રાજયભરના આ ઉદ્યોગજૂથોને નદીઓ, કેનાલો અને પાણીના અન્ય સરકારી સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે એમ મંત્રીએ જણાવ્યું છે.