mysamachar.in-જામનગર
આપણે ત્યાં સામાન્ય માણસ જો કૌભાંડમા સંડોવાઈ જતા તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે,પણ જો કોઈ વગદાર અધિકારી કે કર્મચારી કૌભાંડ કરે અને તેના પર જો રાજકીય નેતાના ચાર હાથ હોય તો તેનો વાળ પણ વાંકો ના થાય આવું જ જામનગર જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ચાલી રહ્યું છે,
કરોડોના ખર્ચે સરકારે ગ્રામીણ રોડરસ્તાઓની સિકલ સુધારવા માટે માર્ગ મકાન વિભાગ પંચાયતને કરોડો રૂપિયા ફાળવ્યા પણ આ ખર્ચ ને સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ એ ભેગા મળી ને ધૂળધાણી કરી નાખ્યા હોય તેમ રસ્તાઓના કામોનો કચ્ચરઘાણ વાળી દીધાની થોકબંધ ફરિયાદો વચ્ચે પણ અધિકારીઓના પેટનું પાણી હલતું ના હોવાનું સામે આવી રહ્યું છે.
ત્યારે જામનગર જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં વર્ષોથી એક જ જગ્યા પર ચીપકી ને બેઠલા કર્મચારીઓ અને અધિકારીઓ સરકારની વખતોવખતની બદલીની માર્ગર્દિશકાને પણ અવગણના કરી રહ્યા છે,અને સ્થાનિક નેતાઓ સાથે સાંઠગાંઠ કરીને સરકાર ને જ ચૂનો ચોપડાઇ રહ્યાનું જામનગરના અનેક રસ્તાઓ એ પોલ ખોલી નાંખી છે,ત્યારે દિવાળીની સાથે સાથે આ વિભાગમાં પણ સફાઈ ની જરૂર હોય તેવું જાણકારો માની રહ્યા છે.
કામમા ગેરરીતી કે બેદરકારી દાખવનાર સામે પગલા લેવાનો આ છે નિયમ….
બાંધકામ વિભાગના એક પૂર્વ ઈજનેર તો ત્યાં સુધી કહે છે કે જો બાંધકામ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ દરમિયાન બનતા રોડ રસ્તા સહિતના કામોમાં બેદરકારી દાખવે તો બાંધકામ વિભાગના નિયમો પ્રમાણે આ એક પ્રકારની ઉચાપત જ કહી શકાય અને તેના માટે જાહેર બાંધકામ અધિનિયમ સંગ્રહ ભાગ ૧ અને ૨ મુજબ જે તે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો નિયમ છે,જે હેઠળ ગાંધીનગરના જુના સચિવાલયમા ફરિયાદનો એક અલગ સેલ કાર્યરત છે,જેમાં જે-તે ડેપ્યુટી ઈજનેર.અ.મ.ઈ.કે અન્ય કામો પર ડામર ઓછો નાખવો,કામમાં ગોબાચારી કરવી,સહિતની ફરિયાદ થાય તો તેની સામે આરોપનામું બનાવી ને તકેદારી આયોગને મોકલી અને આરોપોની ખરાઈ કરાવવામાં આવે છે,અને જે બાદ આરોપનામું ઘડવામાં આવે છે,અને જે તે અધિકારી ને આરોપી બનાવી અને તેની સામે કેસ પણ ચલાવવામાં આવે છે,અને કેસના અંતે કસુરવાર ઠરી આવે તો જરૂરી ખાતાકીય કાર્યવાહી પણ થાય છે.વધુમાં જો તકેદારી આયોગને ફરિયાદ મળ્યા બાદ ગંભીર ક્ષતિઓ માલુમ પડે તો ફોજદારી ફરિયાદ માટેની પણ સૂચનાઓ આપવામાં આવે છે..
પણ જામનગર જિલ્લામાં તો આવી અનેક ફરિયાદો વચ્ચે પણ જેની જવાબદારીઓ ફિક્સ થવી જોઈએ તેની કોઈપણ જાતની જવાબદારી રાજકીય નેતાઓની ઓથ ના કારણે ફિક્સ કર્યા સિવાય જ બિન્દાસ્ત કરી દેવાયાનું પણ જાણવા મળી રહ્યું છે,