mysamachar.in-ગાંધીનગર:
ગત રવિવારે સમગ્ર ગુજરાતમાં લોકરક્ષક દળની પરિક્ષાના પેપરલીક થવાની ઘટનાએ ભારે હોબાળો મચાવી દીધો હતો અને સરકારને તાત્કાલિક હરકતમાં આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું, સરકાર પર દબાણ વધતાં એ.ટી.એસ., ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની જુદીજુદી ટીમો પેપરલીક કઈ રીતે થયું તેની પાછળ લગાવવામાં આવી હતી,જેમાં પોલીસને મહદઅંશે સફળતા મળી ચૂકી છે અને ગઇકાલ સુધીમાં ૮ જ્યારે આજે જેનું નામ પેપરલીક કાંડને લઈને ખૂબ ચર્ચાસ્પદ હતું તે યશપાલ સહિત અન્ય 3 આરોપીઓની પણ ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે,
આજે મીડિયાને સંબોધતા ગાંધીનગર એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યુ હતું કે,આ સમગ્ર કાવતરામાં દિલ્હીની ગેંગનો મુખ્ય રોલ હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે,30 પરીક્ષાર્થીઓને યશપાલ દિલ્હી પણ લઈ ગયો હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ આપી છે અને દિલ્હી થી યશપાલ એક વેફરના પેકેટમાં આન્સર શીટ ગુજરાત સુધી લાવ્યો હોવાનું ખુલવા પામ્યું છે,
આજે ઝડપાયેલા આરોપીઓમાં યશપલ સોલંકી, ઇંદ્રવદન પરમાર અને રાજેન્દ્રનો સમાવેશ થાય છે.જ્યારે આ કાંડમાં ભૂમિકા ભજવનાર નિલેષ ફરાર હોય તેને શોધવા પણ પોલીસ મથામણ કરી રહી છે, હવે ઝડપાયેલો યશપાલ મુખ્ય સૂત્રધાર છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે,
હાલ ઝડપાયેલ અન્ય ૮ આરોપીઓની ટીમને લઈને એ.ટી.એસ., ક્રાઇમબ્રાંચ અને ગાંધીનગર પોલીસ દિલ્હી,રાજસ્થાન સહિતના જુદાજુદા રાજ્યોમાં આ કૌભાંડ અંગેની વિસ્તૃત તપાસ કરી રહી છે,આરોપીઓએ સમગ્ર કાવતરાને અંજામ આપવા ખુબ જ ચીવટ ભર્યો પ્લાન કર્યો હતો અને પોતાના મોબાઈલ લોકેશન ન આવે તે માટેના તમામ શક્ય પ્રયાસો પણ કર્યા હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે,
જાણવા મળ્યું છે કે આરોપીઓ પોલીસથી બચવા માટે મોટા ભાગે ઇન્ટરનેટ અને વોટ્સએપ કોલ કરીને પોતાનું નેટવર્ક ચલાવતા હતા.એસ.પી.મયુર ચાવડાના જણાવ્યા પ્રમાણે ગુજરાત એલ.આર.ડી.ના પેપરલીકમાં દિલ્હીની ગેંગ ની ખૂબ મોટી ભૂમિકા રહેલ છે,તેને ઝડપી પાડવા પણ પોલીસની વિવિધ ટીમો કામે લાગે છે,ઉપરાંત અન્ય કેટલાક મોટા માથાઓની પણ આ કૌભાંડમાં સંડોવણી ખૂલવાની પણ શક્યતાઓ રહેલી હોવાનું ચાવડા એ જણાવ્યુ હતું,
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં આજે ઝડપાયેલા 3 આરોપીઓમાંથી એક આરોપીએ તો આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ખૂલ્યું છે, ગત રવિવારે લેવનાર હતી તે પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની સંડોવણી ખુલવા પામશે તેવા વિદ્યાર્થીઓને આવી પરીક્ષાઓમાંથી બ્લેકલિસ્ટેડ કરવા માટે પણ ભરતી બોર્ડને પોલીસ જાણ કરશે,
આજે ઝડપાયેલો ઇંદ્રવદન પહેલા એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેજેંટેટીવ તરીકે કામ કરતો હોય અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરેલ હોવાથી તે યશપાલના સંપર્કમાં આવ્યો હતો,એ પૂર્વે ઇંદ્રવદન અને નિલેષ બંને દિલ્હી ગેંગના સંપર્કમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે અને હજુ પણ ઘણા નામો આ પેપર લીકકાંડને લઈને સામે આવે તેવી પુરી શક્યતાઓ પણ પોલીસ સેવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.