Mysamachar.in:જામનગર
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગરમાં એક અલગ પ્રકારનો નશો છે. જેમાં સીધી યા આડકતરી રીતે ‘ખેલ’ થતાં રહેતાં હોવાની ચર્ચાઓ સમયાંતરે ઉઠતી રહે છે. આ પ્રકારની એક ટુર્નામેન્ટમાં વીજચોરી ઝડપાઈ ગઈ છે ! અને, વીજતંત્રએ ચેકીંગ દરમ્યાન એક આસામીની ‘વિકેટ’ ખેડવી નાંખી છે. જામનગર વીજતંત્રના અધિક્ષક ઇજનેર પી.પી.પરમારે જાહેર કર્યું છે કે, શહેરનાં બેડી વિસ્તારમાં એક મોટી વીજચોરી ઝડપાઈ ગઈ છે. આ વીજચોરી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પકડાઈ જવા પામી છે, જો કે જાણકારોના કહેવા પ્રમાણે -આ પ્રકારની વિગતો રેકર્ડ પર ક્યારેક જ આવતી હોય છે. આ વીજચોરી ઝડપાઈ જતાં ઘણાં ખેલાડીઓ નિરાશ થયાનું જાણવા મળે છે.
અધિક્ષક ઇજનેર પરમારે જાહેર કર્યું છે કે, 13 મી એપ્રિલે એક ખાનગી બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે, શહેરનાં બેડીબંદર રોડ પર, રેલવે વિન્ડ સામેનાં ભાગમાં સ્થાનિક વીજતંત્રની ચાર ચેકીંગ સ્ક્વોડ દ્વારા ટુર્નામેન્ટના સ્થળે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેદાનમાં એક આસામી, દલ સુલેમાન ઉમરભાઈ દ્વારા વીજતંત્રના ટ્રાન્સફોર્મરમાંથી બિનઅધિકૃત રીતે વીજજોડાણ મેળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે જોડાણમાં વીજવપરાશ થઈ રહ્યો હતો. આથી તંત્રએ આ વીજજોડાણ કાપી નાખ્યું હતું. સ્થળ પરથી તંત્રએ વીજચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલાં વીજવાયરો કબજે લીધાં છે. આસામી વિરૂદ્ધ વીજ અધિનિયમ-2003ની કલમ-135 મુજબ વીજચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને, આ આસામીને રૂ.5 લાખનું વીજચોરીનું પૂરવણીબિલ આપવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે GUVNL પોલીસનાં 4 કર્મીઓ અને SRPનાં 8 જવાનોને સાથે રાખવામાં આવ્યા હતાં. અત્રે નોંધનીય છે કે, આ પ્રકારે એક જ સ્થળેથી મોટી વીજચોરી ઝડપાઈ હોવાનો જિલ્લામાં તાજેતરમાં આ બીજો કિસ્સો છે. બે દિવસ પહેલાં રાજકોટ વિજિલન્સ દ્વારા જિલ્લાનાં જામજોધપુર પંથકમાંથી રૂ.15 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.