Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયામાં સ્વચ્છ- સુઘડ અને સુંદર રસ્તા બાબતે કમનસીબ રહેલી નગરની જનતા માટે સારા રોડ- રસ્તા સ્વપ્ન બની રહ્યા છે. ત્યારે દર વર્ષે લાખો રૂપિયાના આંધણ પછી પણ દર ચોમાસામાં ધોવાઇ જતાં રસ્તાઓ અંગે નગરજનો તથા વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અંગેની વ્યાપક ફરિયાદો પછી પણ છેલ્લા ઘણા સમયથી જૈસે થે જેવી પરિસ્થિતિ બની રહે છે. ખંભાળિયા શહેરમાં ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ડામર રોડ તથા સી.સી. રોડ બનાવવામાં આવ્યા છે. જે મહદ્ અંશે આ ચોમાસામાં ધોવાઈ ગયા છે. આટલું જ નહીં ધોવાઈ ગયેલા રસ્તાઓના કારણે નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસો પાઠવી, કડક પગલાં લેવાના બદલે લોકોને ઉંધા ચશ્મા પહેરાવતી હોવાનું ચિત્ર ઉપસે છે,
નગરપાલિકા તંત્રની નીતિ તથા વિપક્ષના આક્ષેપ મુજબ ભ્રષ્ટાચારના મુદ્દે હવે બિનરાજકીય એવા અહીંના તબીબો તથા પ્રબુધ્ધ નાગરીકો સાથેની “નાગરિક સમિતિ” દ્વારા અવાજ ઉઠાવી અને આ મુદ્દે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. તાજેતરમાં અત્રે ચાર રસ્તા વિસ્તારમાં થાળી વગાડીને વિરોધ કરી, ડાઇવર્ઝન બાબતે તંત્રને જગાડવાના પ્રયાસ બાદ શહેરમાં હાલ મોટાભાગના ધોવાઈ ગયેલા તમામ રસ્તાઓના કારણે થયેલા ખાડા – ખડબા ઉપરાંત અવિરત રીતે આરોગ્યને હાનિકારક રીતે ઉઠતી ધૂળની ડમરીઓ અંગે નાગરિક સમિતિ દ્વારા સખત વિરોધ વ્યક્ત કરી આ મહત્વના મુદ્દે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હાલ કોરોના કાળમાં મહામારી સાથે ઊડતી ધૂળના પ્રદુષણથી ત્રસ્ત નગરજનોના સુરને વાચા આપી, નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા તંત્રને રોડના મુદ્દે તારીખ 31 મી સુધીમાં આ ખરાબ રસ્તાઓનું કામ શરૂ થાય તે માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, અગાઉ રોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા છે. તેથી હવે પારદર્શિતા આવે તે માટે નિયમ મુજબ દરેક રોડ બનાવતી વખતે બોર્ડમાં કોન્ટ્રાક્ટરનું નામ સરનામું, નંબર તેમજ મુદત લખવા પણ જણાવાયું છે. હવે જાગૃત લોકો દ્વારા સદસ્યોની કમિટી બનાવી રોડનું સુપરવીઝન તથા લેવલ અને ગુણવત્તાની ચકાસણી કરશે તેમ પણ વધુમાં જણાવાયું છે.
આ ઉપરાંત નાગરિક સમિતિએ પાલિકા તંત્રને તારીખ 31 મી સુધીમાં કામ શરૂ નહીં થાય તો ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા બાદ રોડના કામો થઇ શકશે નહીં, તેમ જણાવી અને રસ્તાના કામો ચાલુ નહીં થાય તો લોકોને મતદાનનો બહિષ્કાર કરવાની ફરજ પડશે તેમ પણ વધુમાં જણાવાયું છે. આમ, ખંભાળિયા શહેરમાં રોડના મુદ્દે હાડમારીભરી પરિસ્થિતિને ધ્યાને લઈ, જાગૃત સભ્યોની નાગરિક સમિતિ દ્વારા હાથ ધરાયેલા આ જાગૃતિ અભિયાન અંગે રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, વિગેરેને પણ રજૂઆતો કરાઈ છે.