Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગઈકાલે એક માસૂમ બાળકનો મૃતદેહ સાંપડ્યો હતો. આ નવજાત શિશુને ત્યજી દેનારી માતા સામે ફિટકારની લાગણી પ્રસરી છે. આ અંગે પોલિસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે પાંત્રીસ કી.મી. દુર તાલુકાના ભોગાત ગામે આવેલા માતાજીના મંદિર પાસે સવારે એક માસુમ બાળકનો મૃતદેહ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે આ સ્થળે દોડી જઈ અને જોતા એક નવજાત બાળકનો મૃતદેહ બિનવારસુ હાલતમાં પડયો હતો. પોલીસે મૃત બાળકનો કબજો મેળવી અને તેના પોસ્ટમોર્ટમ અંગેની વધુ કાર્યવાહી અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા આ નવજાત બાળકને જન્મ આપી અને તેનો નિકાલ કરવા માટે ત્યજી દેતા આ બાળક મોતને શરણ થયો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ભોગાત ગામના ભરતભાઈ લુણાની ફરિયાદ ઉપરથી અજાણી મહિલા સામે આઇ.પી.સી. કલમ 318 મુજબ પોલીસે ગુનો નોંધી મૃતક બાળકની જન્મદાતાની શોધખોળ હાથ ધરી છે.આ બનાવ અંગે નાના એવા ભોગાત ગામમાં નિષ્ઠુર જનેતા સામે ફિટકારની લાગણી પ્રસરી છે.