Mysamachar.in- અમદાવાદ:
બેંકો સાથે છેતરપિંડીઓ વધી રહી છે. આ ઉપરાંત બેંકોની લોન્સ ‘ખોટી’ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેને કારણે બેંકો પર દબાણ વધતું જાય છે. ઉદ્યોગના ક્ષેત્રમાં બેંકોના કરોડો રૂપિયા સલવાઈ જાય છે, એ જ રીતે ખેતીના ક્ષેત્રમાં પણ બેંકો કરોડો રૂપિયા ગુમાવી રહી છે. ગુજરાતની જ વાત કરીએ તો, ખેતીના ક્ષેત્રમાં પણ બેંકોની NPA (non performing assets) વધી રહી છે.
ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર કમિટી(SLBC)એ જાહેર કરેલાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ખેતી ક્ષેત્રમાં વર્ષ 2023-24 માં NPAનો આંકડો રૂ. 5,786 કરોડ હતો. વર્ષ 2024-25 માં આ આંકડો મોટો થયો, ખોટી થયેલી લોન્સનો આંકડો વધીને રૂ. 6,127 કરોડ થઈ ગયો છે.

સૂત્ર જણાવે છે કે, બેડ લોનમાં જે 6 ટકાનો તોતિંગ વધારો થયો છે તેની પાછળના કારણોમાં અનિયમિત હવામાન, ખેતીપાકોમાં જિવાતનો ઉપદ્રવ અને કૃષિ જણસોના ભાવોમાં જે વધઘટ થતી હોય છે તેને કારણે ખેડૂતોની આવક પર નોંધપાત્ર અસરો પડતી હોય છે અને આવા કારણોસર ખેડૂતો લોનની પરત ચૂકવણીઓ કરી શકતા નથી. આ કારણોથી લોન ખોટી થવાનું પ્રમાણ વધી જતું હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ખેડૂતોને આપવામાં આવતી લોન્સ એટલે કે ધિરાણમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2024માં ખેડૂતોને રૂ. 1,32,000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું. વર્ષ 2025માં આ ધિરાણ વધીને રૂ. 1,45,000 કરોડ થયું છે. જે 9.98 ટકાનો તોતિંગ વધારો દેખાડે છે. તેની સાથે જ લોન્સ ખોટી થવાનું પ્રમાણ 6 ટકા વધી ગયું. અત્રે એ પણ નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લોન્સ ખોટી થવાનું પ્રમાણ વધારે છે, જેની પાછળ વરસાદ અને વાવાઝોડા જેવા કારણો છે.
