Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં વધુ એક વખત, આજે સવારમાં હાહાકાર મચી ગયો. એક સિટી બસ બેકાબૂ બની ગઈ હોય એમ નાગરિકો તથા વાહનો પર ફરી વળી. શહેરના અતિ વ્યસ્ત ઈંદિરા સર્કલ વિસ્તારમાં આજે સવારમાં આ ભયાનક અકસ્માતને કારણે સમગ્ર રાજકોટ શહેરમાં ભારે ગમગીની અને ભયંકર આક્રોશની સ્થિતિઓ જોવા મળી. ઉશ્કેરાયેલા ટોળાઓએ પથ્થરમારો કરી અકસ્માત સર્જનાર સિટી બસના કાચ ફોડી નાંખ્યા હતાં. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ ભયાનક અકસ્માતમાં 3 નાગરિકોના મોત નીપજયા અને અન્ય 3 નાગરિકો ગંભીર રીતે ઈજાઓ પામતાં તેમને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રારંભિક માહિતીઓ અનુસાર, આ ભયાનક અકસ્માત આજે સવારે સાડાનવથી દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. ઈંદિરા સર્કલ વિસ્તારમાં એક સિટી બસ બેફામ બની નજીકના વાહનો પર ચડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કેટલાંક રાહદારી પણ ધસમસતી બસની હડફેટમાં ચડી જતાં આ ધમધમતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ભયાનક અકસ્માત નિહાળી લોકોનું ટોળું બસચાલક પર ક્રોધે ભરાયું હતું અને બસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજતાં અને 3 લોકો ગંભીર રીતે ઈજાઓ પામતાં આ સમગ્ર વિસ્તાર સહિતના શહેરમાં ભારે ગમગીની અને આક્રોશની હાલત છે અને સ્થાનિક પોલીસ પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી છે.