જામનગર શહેર અને જિલ્લામાં માત્ર ગૌવંશ અને ખૂંટીયાઓનો જ ત્રાસ નથી, કૂતરાઓનો પણ ભયાનક ત્રાસ છે. લાખો લોકો ફફડી રહ્યા છે, હજારો લોકોને કૂતરા કરડી રહ્યા છે. છેલ્લા 4-4 વર્ષથી ડોગબાઈટના કેસ વધી રહ્યા છે. બીજી તરફ શહેરમાં કોર્પોરેશન હસ્તક અગાઉ કૂતરાઓનું જે રસીકરણ અને ખસીકરણ થતું તે લાંબા સમયથી બંધ છે. લાખો લોકો આ બાબતે રામભરોસેની હાલતમાં પરેશાન થઈ રહ્યા છે.
જામનગરમાં છેલ્લા 4-4 વર્ષથી કૂતરાઓનો ત્રાસ ભયાનક રીતે વધી રહ્યો છે. 2021માં કૂતરા કરડવાના 8,000 આસપાસ કેસ દાખલ થયેલા. જે 2024માં વધીને 12,000નો આંકડો વટાવી ગયા છે. આમ છતાં, આ બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ નોંધપાત્ર રાહત બચાવ કામગીરીઓ થતી નથી. જેથી લાખો લોકોમાં ભારે રોષ અને નારાજગીઓ વ્યક્ત થઈ રહી છે.
શહેરના લગભગ તમામ વિસ્તારોમાં અને જાહેર રસ્તાઓ પર શ્વાનોનો ત્રાસ છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના નગરજનો આ ત્રાસથી ફફડે છે. આ ત્રાસ દૂર કરવા અંગે કોઈ કામગીરીઓ થઈ રહી નથી. દરમિયાન, એવી વિગતો બહાર આવી છે કે, અગાઉ માફક રણજિતસાગર ડેમ નજીક ફરીથી રસીકરણ ખસીકરણ કામગીરીઓ શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત નાઘેડી નજીક પણ આવું એક સેન્ટર ચારેક કરોડના ખર્ચે શરૂ થશે તેમ જાણવા મળે છે. લાખો લોકો ચાહે છે કે, શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જલ્દી દૂર થઈ જાય.
મહત્વનું છે કે ગતરોજ જામનગર શહેરના વોર્ડ નં ૧ માં જોડીયા ભુંગા વિસ્તારમાં કચ્છી પાડો નામના વિસ્તારમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા ત્યારે એક બાળકી પર શ્વાને હુમલો કરી તેને બચકા ભરી લેતા આ બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.