Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બુધવારે બપોરે ચેરમેનના અધ્યક્ષપદે યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસકામો, ભાવિ આયોજનો અને જુદાં જુદાં કામોના કુલ રૂ. 342 લાખના ખર્ચને કમિટીએ મંજૂરીઓ આપી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, શહેરની તમામ અઠવાડિક બજારોને એક જ સ્થળે નદીના પટ્ટમાં સ્થળાંતરિત કરવામાં આવશે, આ માટે સૈદ્ધાંતિક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.
ચેરમેન નિલેષ કગથરાએ જાહેર કર્યું છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં અલગઅલગ દિવસે ગુજરીબજાર પ્રકારની બજારો ભરાતી હતી, પરંતુ જેતે વિસ્તારના લોકો દ્વારા આ બજારો ખસેડી લેવા માંગ કરવામાં આવી હતી. આથી હવે આ પ્રકારના દરેક વારની બજાર નદીના પટ્ટમાં જ યોજી શકાય તે માટે નિર્ણય થયો છે. એટલે કે, નદીના પટ્ટમાં હવે અલગઅલગ વારની બજારો ભરાશે.
આ ઉપરાંત કમિટીએ નક્કી કર્યું કે, ટાઉનહોલથી સાત રસ્તા રોડ, સુભાષબ્રિજથી ગુલાબનગર રોડ, સાત રસ્તાથી દિગ્જામ સર્કલ રોડ અને સાત રસ્તાથી ગોકુલનગર જકાતનાકા સુધીના કુલ 4 રોડ પર સેન્ટ્રલ લાઈટીંગ લગાડવામાં આવશે. આ માટે કુલ રૂ. 82.85 લાખનો ખર્ચ કરવાનું મંજૂર થયું. આ સાથે જ દેવરાજ દેપાળ શાળા તથા સોનલનગર શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલોપ કરવાનો કુલ ખર્ચ રૂ. 69.20 લાખ આજની કમિટીની બેઠકમાં મંજૂર થયો.