Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા શહેર આ વખતે સરકારી અને પાલિકાની જમીનો પરનાં દબાણો મુદે ચર્ચાઓમાં આવ્યું છે. એક સ્થાનિક ગૌશાળાને દબાણ મુદે તંત્ર દ્વારા નોટિસ મળતાં શહેરમાં હલચલ મચી છે. અને ગૌભકતોએ આ મામલે શરૂઆતમાં જ ઉગ્ર વલણ અખત્યાર કરી લીધું છે. જેને કારણે નોટિસ આપનાર તંત્ર જ બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. આ લડાઈ લાંબી ચાલશે એવું હાલ દેખાઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકાથી મળતો સંદેશો જણાવે છે કે, યાત્રાધામ દ્વારકા હાઈવે પર અંદાજે ચાલીસેક વર્ષથી શ્રી ગોપાલકૃષ્ણ નામની એક ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા જે જમીન પર ઉભી છે તે જમીન અને તેની આસપાસની જમીન પર તંત્ર વિકાસ કરવા ચાહે છે. વિકાસની વાત શરૂ થતાં જ તંત્રને જરૂરી જમીન મેળવવા મુદે દબાણ યાદ આવ્યા. અને ગૌશાળા ચલાવતી સંસ્થાને આ મુદે નોટિસ પકડાવી દેવામાં આવી, નોટિસ આપવામાં આવતાં જ ગૌભકતો ઉકળી ઉઠયા છે. અને ગૌભકતોએ આ મુદે ખુલ્લો વિરોધ નોંધાવી પણ દીધો છે.
રાજ્યનો પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારકા ખાતે સંગ્રહાલય પરિસરનો વિકાસ કરવા ચાહે છે. તથા સંગ્રહાલય બનાવવા અત્રે જમીન ફાળવવા ઇચ્છે છે. અને આ વિકાસ માટે જમીન સંપાદિત કરવા ચાહે છે. જે અનુસંધાને ગાંધીનગરથી સૂચના આવતાં સ્થાનિક મામલતદારે ગૌશાળાને, 48 કલાકમાં દબાણો દૂર કરવા નોટિસ આપી છે. જેને કારણે ગૌભકતોએ તથા અન્ય દ્વારકાવાસીઓએ તંત્ર પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો છે. આ નોટિસ બાદ જો તંત્ર દ્વારા ગૌશાળા બાંધકામ તોડી પાડવામાં આવશે તો જોયા જેવી થશે એ પ્રકારનો પ્રત્યાઘાત હાલમાં ગૌભકતોની છાવણીમાં જોવા મળી રહ્યો છે.
દ્વારકાનાં દબાણો ચર્ચામાં: નવાજૂની થશે કે…?
હાલમાં દેવભૂમિ દ્વારકા શહેર અને પંથકમાં ચર્ચાઓ છે કે, તંત્રને 40 વર્ષ સુધી દબાણ દેખાયું કેમ નહીં ?! બીજો મુદ્દો એ પણ ચર્ચામાં છે કે, દબાણો તો વ્યાપક છે, શહેર અને જિલ્લામાં અનેક સ્થળે છે. સ્થાનિક તંત્ર ભૂમાફિયાઓની લાજ કાઢે છે. તંત્ર અન્ય દબાણોને શા માટે નોટિસ ફટકારતું નથી ?! આ પ્રકારની ચર્ચાઓને કારણે શહેર તથા જિલ્લામાં ભારે ઉતેજના ફેલાવા પામી છે. આગામી દિવસોમાં પુરાતત્વ વિભાગની ગાંધીનગર કચેરી આ પ્રકરણમાં શું વલણ અખત્યાર કરે છે, તેનાં પર આ મામલાનો આખો દારોમદાર હોવાનું જાણવા મળે છે.