Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વપયે તા. 31 માર્ચ 2024 સુધી 100% પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100% પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. 31 માર્ચ 2024 સુધીના સમય માટે જાહેર કરી છે.
આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે.એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8% વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે, આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.