Mysamachar.in-નર્મદા;
વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે,ત્યારે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ તા. ૧૪/૦૪/૨૦૨૫ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી, તા. ૨૮ અને ૨૯/૦૪/૨૦૨૫ ભગવાન પરશુરામ જયંતી અને તા. ૨૦/૧૦/૨૦૨૫ દિવાળી પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.
સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર,રવિવાર અને સોમવારના મિનિ વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસિય પ્રક્લ્પો ખુલ્લા રાખવાના કારણે અન્ય દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય.
તા. ૧૪ એપ્રિલ, ૨૮ અને ૨૯ એપ્રિલ, ૨૦ ઓકટોબર ૨૦૨૫ના રોજ સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તેના બદલે તા. ૧૫/૦૪/૨૦૨૫, ૩૦/૦૪/૨૦૨૫, ૨૧/૧૦/૨૦૨૫ ના રોજ ના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને પોતાના પરિવાર સાથે એકતા નગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે ઉપર જણાવેલ તારીખ ના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી મિની વેકેશનનો લાભ મળી શકે.
પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે, ઉપરોકત દિવસો દરમ્યાન સોમવાર અને મંગળવારના રોજ પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઈટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે.(File Image)