Mysamachar.in-અમદાવાદ:
બેંકનું ATM કાર્ડ એક પ્રકારની બહુઉપયોગી સુવિધા છે, એ વાત ખરી. પણ, સાયબર છેતરપિંડીઓના આ જમાનામાં આ કાર્ડ સંબંધિત કેટલીક બાબતો તમારાં ધ્યાન પર હોવી જોઈએ. જો તમે એલર્ટ નહીં રહો તો, સાયબર ગઠિયાઓ તમને ઓનલાઈન લૂંટી શકે છે. આ બાબતે રિઝર્વ બેંક દ્વારા 2 ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.
ATM કાર્ડ પર 3 અંકનો એક નંબર હોય છે. જેને CVV એટલે કે, કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ કહે છે. તમારાં આ કાર્ડ પરથી આ નંબર દૂર કરી દો. કેમ કે, જો આ નંબર તમારાં કાર્ડની અન્ય માહિતીઓ સાથે કોઈના હાથમાં આવી જાય છે તો તેવા કિસ્સામાં તમારૂં બેંક એકાઉન્ટ સાફ થઈ શકે છે. આ નંબરને કારણે પેમેન્ટ વખતે તમારૂં કાર્ડ વેરીફાઈ થતું હોય છે. આ જરૂરી નંબર છે. આ નંબર છૂપાવીને રાખવો જોઈએ, આ નંબર ક્યાંક નોંધી લો અને કાર્ડ પરથી દૂર કરો.
આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટના ઘણાં કિસ્સામાં સંબંધિત પ્લેટફોર્મ તમને કાર્ડ સેવ કરવું છે ? એમ પૂછે છે. પરંતુ યાદ રાખો, આ રીતે કાર્ડ સેવ કરવાનું ટાળો. કારણ કે, જો આ પ્લેટફોર્મ સુરક્ષિત નહીં હોય તો, તમારાં કાર્ડની માહિતીઓ પણ સુરક્ષિત રહી શકશે નહીં. ઓનલાઈન ખરીદી વખતે કોઈ ફાલતુ પ્લેટફોર્મ પર કાર્ડ સેવ ન કરવું- એવી ચેતવણી પણ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે.