Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
યાત્રાધામ દ્વારકા ભારતભરમા પ્રસિદ્ધ છે ત્યારે સમગ્ર નગરી તેમજ આજુબાજુનો વિસ્તાર અને લગત હાઇવે તેમજ આંતરિક રોડ ટચ હોય તે દરેક જમીન ખુબ કીંમતી ગણાય તે સ્વાભાવિક છે ત્યારે આ જમીનો ઉપર જંગી દબાણ થઇ ગયા છે તે બાબતે કોની મીઠી નજર છે તે સવાલ ઉભો થયો છે કેમકે ખુબ મોટા પ્રમાણમા માલીકીની ન હોય તેવી જમીનોમા ઘર, દુકાન, હોટલો, રિસોર્ટ વાડા કોમર્શિયલ કોમ્લેક્સ ધંધાના સ્થળ વગેરે બની ગયા છે, અને તેમાથી ઘણા તો વેંચાય પણ ગયા છે આ પંથકમા જમીન દબાણ અને બાદમા તેના જ વેચાણનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે જેનાથી લગત તંત્ર અજાણ ન હોઇ શકે આ જગ્યાઓમા નગરપાલીકાની પંચાયતની પીડબલ્યુડીની યાત્રાધામ બોર્ડની પોર્ટ વિભાગની પ્રવાસન વિભાગની પુરાતત્વની રેવન્યુની વગેરે જમીનો આવેલી છે,
દ્વારકા શહેર અને આજુબાજુના દસથી પંદર કીલોમીટર વિસ્તારોમાં જુદી જુદી કિંમતી સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ દબાણો કરીને કાચાં-પાકા બાંધકામો ખડકીને વેચી નાખવાનું શરૂ કરી દીધું હોવા છતાં સરકારી તંત્ર હજી નિષ્ક્રિય જોવા મળી રહ્યુ છે, કેટલાક પહોચ ધરાવતા શખ્સો નગર પાલિકાના કર્મચારી અથવા કોન્ટ્રાકટરોના અથવા માથાઓના સગાસંબંધીઓ ગૃપ ટેકેદારો દ્વારા આ પ્રકારના દબાણો કરીને દુકાનો વંડાઓ વાળીને મકાનો સહિત બનાવવાનો કારસો અવિરત ચાલી રહ્યો હોવાનુ પણ જાણકારો જણાવે છે. દબાણકારો દ્વારા નેશનલ હાઈ-વે પર ખોડિયાર ચેક પોસ્ટથી વરવાળા સુધીમાં ઠેર-ઠેરદબાણ થઇ ચુક્યા છે, જે અકસ્માતનું જોખમ ઊભુ કરતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સરકારી અધિકારીઓ અને રાજનેતાઓ અહીથી પસાર થાય છે, છતાં એમને દબાણો દેખાતા નહિ હોય? એવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
યાત્રાધામ દ્વારકામાં જમીનોના ભાવ આસમાને પહોચ્યાં છે ત્યારે છેલ્લા થોડાં સમયથી ભૂમાફિયાઓ દ્વારા સરકારની લાખો કરોડો રૂપિયાની ખાલી પડેલી જગ્યામાં બેફામ દબાણો કરાયા છે છતા સંબંધિત વિભાગોને આ મામલે પગલા નથી લેતુ એ કોના દબાણ હેઠળ છે ?? તેવા વેધક સવાલો પણ ઉઠ્યા છે. આવા બેફામ દબાણો અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે માટે નવી શંકાએ જન્મ લીધો છે કે ભૂમાફિયાઓ એ સરકારની લાખો-કરોડો રૂપિયાની જમીનો દબાવેલ હોય તેની સાથે કેટલાક અધિકારીઓ કે સતાવાહકો પણ સંડોવાયેલા છે કે શું??
– જો તંત્ર ધારે તો જામનગરની જેમ સુઓમોટો કરી શકે પણ કરવું હોય તો રહેમનજર રાખવી હોય તો નહી..
લેન્ડ ગ્રેબીંગ એક્ટની જોગવાઇઓ કડક બનાવી લોકો પાસેથી અરજી મંગાવાય છે પરંતુ દબાણ અંગે તંત્ર જાતે પણ સુઓમોટો કરી શકે છે, જામનગરમા દરેડમા વીસ હજાર ચોરસમીટરથી વધુની સરકારી જમીનમા દબાણ થઇ ગયુ તો કલેક્ટર અને એસપીએ જાતે આગળ આવી તે દબાણ દૂર કરવાની પ્રોસીજર શરૂ કરી દાખલો બેસાડ્યો છે ત્યારે જાણકારો પુછે છે કે દ્વારકા જિલ્લાનુ તંત્ર આવા દાખલાઓ ક્યારે બેસાડશે? નહી તો કાયદાની કઇ ઉપયોગીતા અને અસરકારકતા નહી રહે તેમ નિષ્ણાંતોનો મત છે કારણ કે ચીફ ઓફીસર સહિતનું તંત્ર બધું જાણતું હોય પણ જતુ પણ કરતુ હોય તેવું પણ ચર્ચાય છે.