Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર સેવા સદનની ભવ્ય ઈમારત આમ જૂઓ તો, શહેરનાં સાતેક લાખ નગરજનો માટેની સૌથી મહત્વની જગ્યા છે, જ્યાં ખરેખર તો પ્રજાલક્ષી કામગીરીઓ અને કાર્યવાહીઓનો સતત ધમધમાટ હોવો જોઇએ. પરંતુ હકીકત તદ્દન ઉલટી જોવા મળી રહી છે ! આ મહાનગર સેવા સદન સંપૂર્ણ નીરસ અને જાણે કે નિષ્ક્રિય હોય તેવો સ્મશાન કે કબ્રસ્તાન જેવો ગમગીન માહોલ જોવા મળે છે ! ક્યાંય કોઈ વાઈબ્રન્સી નહીં, ક્યાંય મતદારો માટે કામોનો ધમધમાટ નહીં ! સૌ પોતપોતાની નાનકડી દુનિયામાં મસ્ત અને બીજી બાજુ લાખ્ખો નગરજનો જાણે કે, મત આપી દીધાં પછી પાંચ વર્ષ માટે સાવ નોધારા.!
વિપક્ષ હોય કે શાસકો, સૌ સરખાં ! કોઇને જાણે કે શહેરનાં, લોકોનાં કામોમાં રસ જ નથી ! અને, શહેરમાં જાણે કે કોઈ સમસ્યા જ નથી ! અને, અધિકારીઓ પણ સૌ નિશ્ચિંત ! તેઓને પણ નિરાંત છે – કોઈ તેઓને ઢંઢોળતુ નથી ! વિપક્ષનાં સભ્યો શાસકોની ઉંઘ હરામ કરી દેવા જેટલી સજ્જતા કે ક્ષમતા ધરાવતાં નથી. પ્રજાકીય પ્રશ્નોની તેઓ પાસે કશી વિગતો હોતી નથી. શહેરનાં પ્રશ્નો અંગે તેઓ, કોઈ જ હોમવર્ક કરતાં નથી. તેઓ ધારદાર કે મુદ્દાસર રજૂઆતો કરવા જેટલું કૌવત ધરાવતા નથી. તેઓને મન જાણે કે શહેરમાં કોઈ સમસ્યા જ નથી. વિપક્ષ નિશ્ચિંત છે. નિરાંતની પળો માણે છે.
શાસકોની આંખે ન ચડી જવાય એ માટે મોટેભાગે પડદાં પાછળ રહે છે. પ્રજાકીય પ્રશ્નો અંગે, શહેરનાં વિકાસ સંદર્ભમાં કે પછી કોર્પોરેશનનાં ટેબલો પર ચાલી-દોડી રહેલાં, ચોક્કસ પ્રકારના કામો અંગે વિપક્ષ કાર્યાલયમાં કોઈ જ પદ્ધતિસરની બેઠકો થતી નથી. તમામ સભ્યોની નિયમિત મિટીંગ થતી નથી. કોર્પોરેશન સંબંધિત ચર્ચાઓ થતી નથી. કોર્પોરેશનમાં ચાલી રહેલાં કે ચલાવવામાં આવી રહેલાં ‘વહીવટ’ અંગે કોઈ સંશોધન થતું નથી ! ન તો કોર્પોરેશનનાં એક પણ વિભાગની કામગીરીની સમીક્ષા થાય છે. વ્યક્તિગત દાવપેચ રમાતા રહે છે. કોર્પોરેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓની સેંકડો જગ્યાઓ ખાલી છે – લોકોનાં કામો ટલ્લે ચડી રહ્યા છે પરંતુ વિપક્ષ કાર્યાલયમાં કે શહેર વિપક્ષ સંગઠનમાં ક્યાંય, આ સંદર્ભે કોઈ જીવંતતા જોવા મળતી નથી ! જાણે કે, કોર્પોરેશન વિપક્ષવિહોણું !!
-શાસકપક્ષમાં પણ સ્થિતિ આ જ !!
શાસકો પણ નિરાંત માણી રહ્યા છે. પદાધિકારીઓ કાર્યક્રમમાં ખુરશીઓ શોભાવવાને જ બધું માને છે ! જાણે કે, મહાનગર સેવા સદનમાં કોઈ જ જવાબદારી નહીં ! શાસકપક્ષમાં સભ્યો પણ આ પ્રકારની માનસિકતાનો શિકાર છે ! તેઓ એમ માને છે કે, જામનગર સ્માર્ટ સિટી બની ચૂક્યું છે. દેશભરમાં જામનગરનાં અદભુત વિકાસની જાણે કે ચર્ચાઓ થઈ રહી છે ! સાત લાખની વસતિને કોઈ જ સમસ્યા પીડતી નથી. વિકાસકાર્યો અને પ્રાથમિક જરૂરિયાતોનાં કામો, શાસકપક્ષનાં સભ્યોનાં મતે, જાણે કે ટનાટન ચાલી રહ્યા છે ! મહાનગર સેવા સદનના બધાં વિભાગો જાણે કે ધમધમે છે એવું તેઓ માને છે ! કમિટીની બેઠકમાં તથા સામાન્ય સભાની બેઠકમાં-માત્ર બેસવાનું, આંગળી ઉંચી કરવાની અને થોડાં થોડાં સમયે, ચાવી દીધેલાં રમકડાંની જેમ, ભારતમાતાની જય બોલવાનું ! બસ, વાત પૂરી ! શાસકો પણ ગજબ માનસિકતા ધરાવે છે.
વિપક્ષ અને શાસકપક્ષ પોતાની મોજમાં હોય, મતદારોને ભૂલી ગયા હોય, અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મોજમાં રહે છે અને શહેરભરમાં લાખો મતદારો જાણે કે નોધારા. અને મહાનગર સેવા સદન સંપૂર્ણ નીરસ અને નિષ્ક્રિય ! આ પ્રકારનું શહેર પાંચસો વર્ષેય સ્માર્ટ સિટી ન બની શકે – નગરજનો, સૌને દોડતાં રાખો. તમે મતદારો છો, તમારાં અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવો.