Mysamachar.in-જામનગર:
PGVCL સહિતની વીજકંપનીઓ આધુનિકતા અને ટેકનોલોજિ તરફ ડગ માંડી, ગ્રાહકસેવાઓ વિસ્તારવા તથા આ સેવાઓ અને સુવિધાઓ ગુણવત્તાસભર બનાવવા તૈયારીઓ કરી રહી છે. હવે તમારે ત્યાં વીજળી ગુલ થાય તો, તમારે ફરિયાદ નહીં કરવાની. આ ફોલ્ટ રિપેર થઇ જશે અને વીજપ્રવાહ ફરી શરૂ થઈ જશે.
PGVCL MD કેતન જોશી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. એમણે જણાવ્યું છે કે, ઉર્જા વિભાગ તથા GUVNL દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી જાન્યુઆરી માસમાં ઉર્જા સંવર્ધન પોર્ટલ લોન્ચ થશે. ઉર્જામંત્રી દ્વારા આ જાણકારીઓ આપવામાં આવી છે.
એમણે વધુમાં જણાવ્યું કે, દરેક સર્કલ, ડિવિઝન અને સબ ડિવિઝન કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કયાંય પણ વીજપૂરવઠો ગુલ થશે તો, પોર્ટલને જાણ થઈ જશે, પોર્ટલ પરથી આ જાણકારીઓ સંબંધિત કંટ્રોલરૂમને મળી જશે. બાદમાં કંટ્રોલરૂમની જાણકારીઓ અનુસાર સંબંધિત વીજટીમ આ ફોલ્ટ નિવારવા જેતે વિસ્તારમાં પહોંચી જશે. આમ ગ્રાહકોની ફરિયાદ વગર જ તંત્રને આ જાણકારીઓ મળી જશે. એમણે અંતમાં એમ પણ જણાવ્યું કે, કંટ્રોલરૂમની મદદથી, ક્યા ક્યા વિસ્તારોમાં વોલ્ટેજ વધઘટ થઈ રહ્યા છે તેની જાણકારીઓ મળી જતાં આ સમસ્યાઓ પણ દૂર કરી શકાશે.


