Mysamachar.in-અમદાવાદ:
તહેવારોના દિવસોમાં જેમ સારી બાબતો આકાર લેતી હોય છે એમ જ કેટલીક માઠી કે અમંગલ બાબતો પણ બનતી હોય છે. અકસ્માત અને ઈમરજન્સી સહિતની ઘટનાઓ નોંધાતી હોય છે. ગત્ રોજ દીવાળીના દિવસે 24 કલાક દરમ્યાન રાજ્યમાં 108 એમ્બ્યુલન્સને શું અનુભવ તેના આંકડા પ્રસ્તુત છે.
રાજ્યની 108 સેવાએ આ આંકડા જાહેર કર્યા છે. સામાન્ય દિવસોની સરખામણીએ દીવાળીનો દિવસ આ સેવાઓ માટે દોડધામભર્યો સાબિત થયો. 24 કલાક દરમ્યાન 108 સેવાને કુલ 5,389 ઈમરજન્સી કોલ્સ પ્રાપ્ત થયા. સામાન્ય દિવસોમાં આ કોલ્સની એવરેજ સંખ્યા 5,199 રહે છે.

આંકડા કહે છે: આ ઈમરજન્સી કોલ્સમાં 916 અકસ્માત કેસનો પણ સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં આ કેસ એવરેજ 529 હોય છે. ટૂંકમાં, વધુ દોડાદોડીને કારણે દીવાળી પર વધુ અકસ્માત સર્જાયા. આ ઉપરાંત ફટાકડા સહિતના કારણોસર દાઝી જવાના 56 કેસ દાખલ થયા. જેમાં જામનગર સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું. દાઝી જવાના સૌથી વધુ 17 કેસ સાથે અમદાવાદ પ્રથમ ક્રમે છે અને 8 કેસ સાથે સુરત બીજા અને 5 કેસ સાથે જામનગર ત્રીજા ક્રમે રહ્યું છે. નવસારીમાં દાઝી જવાના ચાર બનાવ નોંધાયા.
