mysamachar.in-કાલાવડ:
આજનો સમય લોકો માટે દરેક તબક્કે છાસને પણ ફૂંકીને પીવા જેવો છે,કારણ કે કોણ, ક્યારે, કયો દાવ અજમાવી લે તે નક્કી નથી.કાલાવડના એક ખેડૂત પણ આવી જ ઘટનાનો ભોગ બનતા મામલો કાલાવડ પોલીસ મથકે પહોંચ્યો છે.કાલાવડના ખરેડી ગામના પટેલ ખેડૂત પાસે પૈસા પડાવવા માટે ગામના જ એક શખ્સએ રાજકોટની એક મહિલા સહિત પાંચ મિત્રોની મદદથી ખેડૂતની વાડીએ મહિલા સાથે ખેડૂતના ફોટા પડાવી ૧૦ લાખની માંગણી કર્યા બાદ ૨ લાખમાં પતાવટ કરવાની ધમકી આપવા છતાં સમાધાન ન થતા આ મામલો પોલીસ પાસે પહોંચતા આ મામલો સમગ્ર કાલાવડ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
કાલાવડના ખરેડી ગામે રહેતા પટેલ ખેડૂત દામજીભાઈ કોઠીયાને ફસાવવા માટે ગામના જ ગૌતમ બથવારે રાજકોટની એક મહિલા અને બે જી.આર.ડી.ના જવાનો સહિત ૬ જેટલા શખ્સોએ સાથે મળીને એક સુવ્યવસ્થિત કાવતરું ઘડીને પટેલ ખેડૂત પાસેથી લાખો રૂપિયા પડાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, પણ આ પ્લાનને આખરી ઓપ અપાઇ તે પહેલા જ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા છે.
લોકો માટે ચેતવા જેવા આ કિસ્સામાં દામજીભાઈ પટેલને ફસાવવા તેની જ વાડીએ રાજકોટની એક મહિલાને બોલાવીને તેની સાથે દામજીભાઇના ફોટા પાડ્યા બાદ તેને મહિલા સાથે અનૈતિક સંબંધો છે તેવું કહી બદનામ કરવાની ધમકીઑ આ ટોળકી દ્વારા આપવામાં આવતી હતી,
જેમાં ગૌતમ સહિત રાજકોટના બે જી.આર.ડી. જવાનો મળીને ૬ શખ્સોની ટોળકીએ દામજીભાઈ પાસે ૧૦ લાખની માંગણી કર્યા બાદ છેલ્લે ૨ લાખમાં પતાવટ કરવાની ધમકી આપી બેફામ મારકૂટ કરવામાં આવી હતી અને દામજીભાઈ ઉપરાંત તેના મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલાનો ભારે હોબાળો મચતા ખરેડી ગામના ખેડૂતએ પોલીસને જાણ કરતા ખરેડી ગામના ગૌતમ બથવાર સહિત રાજકોટના જી.આર.ડી.ના જવાનો વગેરે ૫ શખ્સોએ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.
ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલ રાજકોટની મહિલા અને અશ્વિન નામનો શખ્સ નાશી છૂટતા પોલીસે શોધખોળ માટે તપાસ તેજ કરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.