Mysamachar.in-અમદાવાદ:
આજે અમદાવાદ શાહીબાગ પોલીસ મેદાન ખાતે તાલીમાર્થી પોલીસ માટેના દીક્ષાંત સમારોહમાં ગૃહમંત્રીએ નવા પોલીસકર્મીઓને સૂચન કર્યું હતું કે, ફરજો પર ધ્યાન આપજો. સાહેબ બની ગયાની મનમાં હવા ન રાખતાં. આ દીક્ષાંત સમારોહમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાલીમ પૂર્ણ કરનાર અને પોલીસવિભાગમાં ફરજો બજાવવા થનગની રહેલાં 230 કર્મીઓને સંબોધન કર્યું હતું. તેઓએ સંબોધનમાં કહ્યું કે, સાયબર ક્રાઈમ માત્ર આર્થિક ગુનો જ નથી, તમે સૌ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી, સાયબર ક્રાઈમને અંકુશમાં લેવાના પડકાર પર ધ્યાન આપશો એવી મને આશા છે.
આ તકે તેઓએ એમ પણ કહ્યું કે, હવે આજથી લોકો તમને સૌને સાહેબ સાહેબ કહેશે પરંતુ તમે સૌ જમીન સાથે જોડાયેલા રહેજો. ગોગલ્સ પહેરીને સિંઘમ બનવાની લાલચથી દૂર રહી, તમારી ફરજો પર ધ્યાન આપજો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે જામનગર સહિત સમગ્ર રાજયમાં તાલીમાર્થી પોલીસકર્મીઓ માટે આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યા હતાં. જામનગર પોલીસમાં નવા 160 કર્મીઓનો ઉમેરો થયો, અમદાવાદમાં 230 કર્મીઓ ઉમેરાયા અને સમગ્ર રાજયમાં પોલીસબળમાં નવા 5,373 કર્મીઓનો સમાવેશ થતાં કાયદો તથા વ્યવસ્થાની જાળવણી તથા કાયદાના પાલનમાં પોલીસ અસરકારક કામગીરીઓ કરી શકશે, જો ગૃહપ્રધાનના સૂચનોનો અક્ષરસ: અમલ થશે તો.