Mysamachar.in-જામનગર:
જામનગરમાં એવી ઘણી જાણીતી જગ્યાઓ અને મિલકતો છે જેની મિલકત સંબંધિત તકરારો જુદી જુદી કક્ષાએ લડાતી રહેતી હોય છે, આવી કેટલીક જાણીતી જગ્યાઓ શહેરની મધ્યમાં ત્રણ બતી વિસ્તારમાં પણ આવેલી છે. જેની કાનૂની તકરાર લાંબા સમયથી ચાલી રહી છે. હાલમાં આ વિવાદમાં ભાડૂઆતોને કાનૂની પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
આ મામલો શહેરના ત્રણ બતી વિસ્તારમાં આવેલી કલ્પના હોટેલ અને રામડેરી વગેરે મિલકતો સાથે જોડાયેલો છે. આ જાણીતી હોટેલ સહિતની અહીંની 13 મિલકત એવી છે જે મિલકતના કબજેદાર ભાડૂઆતો એક કાનૂની તકરાર મુદ્દે રાજ્યની વડી અદાલતમાં ગયા હતાં. જો કે તેમાં એમને સફળતા મળી નથી.
ગુજરાત રાજ્યની વક્ફ ટ્રિબ્યુનલના 21.11.2024ના હુકમ મુજબ, વક્ફ મિલકતોની તકરાર સાંભળવા, ચલાવવા તમામ સતાઓ આ ટ્રિબ્યુનલ પાસે છે. આમ છતાં, શહેરના ત્રણ બતી વિસ્તારમાં આવેલી હાજી મોહમ્મદ અને હાજી હાસમ પીર મોહમ્મદ મુસાફરખાનાની મિલકતોના ભાડૂઆતો કલ્પના હોટેલ તથા રામડેરી વગેરે દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં અદાલતે આ 13 ભાડૂઆતની અપીલ રદ્દ કરી છે.
વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના અગાઉના કેટલાંક ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે અપીલ રદ્દ કરતાં કહ્યું કે, વક્ફ સંબંધિત દાવા તકરાર ચલાવવાની સંપૂર્ણ સતાઓ ગાંધીનગરની વક્ફ ટ્રિબ્યુનલ પાસે છે. આ ભાડૂઆતોએ સ્ટેની માંગ સાથે સુપ્રિમ કોર્ટમાં જવા અરજીઓ પણ આપેલી. વડી અદાલતે આ અરજીઓ પણ ફગાવી દીધી છે.
આ મામલામાં મુસાફરખાના વક્ફ વતી અમદાવાદના વકીલ અરશદ શેખ તથા જામનગરના વકીલ હાજી હસન ભંડેરી કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ તરીકે હાજર રહ્યા હતાં અને વક્ફ બોર્ડના વકીલ તરીકે ફૌઝાન સોનીવાલા હાજર રહ્યા હતાં.(file image)