Mysamachar.in-અમદાવાદ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પોલીસ દળમાં નવા પસંદગી પામેલા યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા કહ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે.પોલીસ દળની ભરતીઓમાં ઉત્તીર્ણ થઈને 3100 જેટલી યુવતીઓ સહિત 11 હજારથી વધુ યુવાઓ ટીમ ગુજરાતમાં જોડાયા છે.
મુખ્યમંત્રીએ સ્માર્ટ પોલિસીંગના વિચારને પાર પાડવા રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે તેની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે, રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્થ – સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી રાજ્યનું પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.
નવનિયુક્ત 11607 ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનો અભિન્ન અંગ બનવાની સાથે વર્દીના સ્વરૂપે આપ સૌને સમાજના દૂષણોને નાબૂદ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. આ વર્દી આપણને દિવસ-રાત, ઠંડી-ગરમી, તહેવાર કે કુદરતી આફત જેવી કોઈપણ વિષમ પરિસ્થિતિમાં જનતાની સેવા અને સુરક્ષા માટે ખડેપગે રહેવાની તાકાત આપે છે. આપ સૌ નવનિયુક્ત ઉમેદવારોએ નવી ઊર્જા અને નવા જુસ્સા સાથે એવી કામગીરી કરવાની છે, જેથી આ વર્દીની આબરૂ અને ગરિમામાં સતત વધારો થાય. જ્યારે પણ કોઈ નાગરિક પોતાની સમસ્યા લઈને તમારી પાસે આવે, ત્યારે તેમના દુઃખમાં સહભાગી બની તેમને મદદરૂપ થવા માટે પૂરા દિલથી પ્રયત્ન કરજો.
હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે. પારદર્શક નિયમો હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ઉમેદવારને પોતાના વતન જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં નિમણૂક મળી શકે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવી ભરતી માટેની શારીરિક કસોટી યોજાય તેવી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.





















































